News of Friday, 31st July 2026
રેલવેમાં ₹7,200 ની લાંચ લેવી ભારે પડી: CBI કોર્ટે ભૂતપૂર્વ ગુડ્સ ક્લાર્કને ફટકારી 4 વર્ષની જેલ અને દંડ!
₹1.26 લાખનો ડિમરેજ ચાર્જ ઘટાડી આપવાની લાલચ આપી માંગી હતી લાંચ; સીબીઆઈની ટીમે રંગેહાથ ઝડપ્યા બાદ કોર્ટે સંભળાવ્યો આકરો ચુકાદો.

લખનૌ : ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા લખનૌ સ્થિત ખાસ CBI કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. રાયબરેલીના દરિયાપુર જંકશન રેલ્વે સ્ટેશનના તત્કાલીન ગુડ્સ ક્લાર્ક દુર્ગેશ બહાદુર સિંહને લાંચ લેવાના કેસમાં દોષિત ઠેરવીને ચાર વર્ષની કડક જેલની સજા અને ₹10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. એક દાયકા જૂના ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટના આ આકરા વલણથી લાંચિયા અધિકારીઓમાં ફાળ પડી છે.
આ સમગ્ર મામલો વર્ષ 2017 નો છે, જ્યારે લખનૌની એક ખાનગી કંપનીના ડિરેક્ટરે સીબીઆઈ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, કંપની નિર્ધારિત સમય મર્યાદામાં રેલવેના માલગાડીના ડબ્બા (રેક) માંથી કાચો માલ ખાલી કરી શકી ન હોવાથી તેના પર ₹1,26,000 નો ભારે ડિમરેજ ચાર્જ લાદવામાં આવ્યો હતો. આ દંડની રકમમાં મોટો ઘટાડો કરી આપવાના બદલામાં તત્કાલીન ગુડ્સ ક્લાર્ક દુર્ગેશ બહાદુર સિંહે શરૂઆતમાં ₹60,000 ની લાંચ માંગી હતી.
CBI નું સચોટ છટકું અને કાર્યવાહી:
· વાટાઘાટો: આરોપી ક્લાર્કે દંડ ઘટાડીને ₹37,800 કરવાનો અને બદલામાં પોતાના માટે ₹7,200 ની ગેરકાયદેસર કમિશન (લાંચ) સ્વીકારવાનો સેટલમેન્ટ કર્યો.
· રંગેહાથ ઝડપાયો: 13 ઓક્ટોબર, 2017 ના રોજ CBI એ છટકું ગોઠવીને ક્લાર્કને ₹7,200 ની લાંચ લેતા જ સ્થળ પરથી રંગેહાથ પકડી પાડ્યો હતો.
વિસ્તૃત તપાસ પૂર્ણ કર્યા બાદ CBI એ 30 નવેમ્બર, 2017 ના રોજ આરોપી વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી કાનૂની ટ્રાયલ અને તમામ પુરાવાઓ ધ્યાને લીધા બાદ CBI કોર્ટે આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવી જેલ ભેગો કરવાનો આદેશ આપ્યો હતો.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
