<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

શાંતિની વાતો અને ઉધારના કબાબ: વાન્સ-કાલિબાફ તો ગયા, પણ સેરેના હોટેલના કરોડોના બિલ પર પરેશ રાવલનો જોરદાર કટાક્ષ!

મેજબાન પાકિસ્તાન પોતે દેવામાં ડૂબેલું છે ત્યારે અમેરિકા અને ઈરાનના લશ્કર જેવા પ્રતિનિધિમંડળોના શાહી ખર્ચ કોણ ભોગવશે?: સોશિયલ મીડિયા પર 'IMF' ના નામે મીમ્સનું પૂર

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની લક્ઝુરિયસ સેરેના હોટેલ બે દિવસ સુધી દુનિયાનું શક્તિ કેન્દ્ર બની રહી, જ્યાં જેડી વાન્સ અને મોહમ્મદ બાઘર કાલિબાફ જેવા દિગ્ગજો શાંતિની શોધમાં મળ્યા હતા. સુરક્ષા એવી હતી કે પરિંદુ પણ પર ન મારી શકે અને મેજબાની એવી કે કાશ્મીરી ચાથી લઈને લઝીઝ કબાબની નદીઓ વહી હતી. પરંતુ જેવી આ બેઠક અનિર્ણિત પૂરી થઈ અને VIP કાફલાઓ રવાના થયા, કે તરત જ હોટેલ મેનેજમેન્ટે લાંબુ લચક બિલ ટેબલ પર મૂક્યું છે. હવે પ્રશ્ન એ છે કે જે દેશ પાસે પોતાના નાગરિકોના લોટ-દાળના ઠેકાણા નથી, તે આ કરોડો રૂપિયાની મિજબાનીનું બિલ કયા ખિસ્સામાંથી ચૂકવશે?

આ ગંભીર આર્થિક સવાલ પર ભારતીય સિનેમાના દિગ્ગજ અને પોતાની રમૂજી શૈલી માટે જાણીતા અભિનેતા પરેશ રાવલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જ્યારે સોશિયલ મીડિયા પર એક યુઝરે પૂછ્યું કે, "આટલા મોટા ખર્ચ પછી હોટેલનું બિલ કોણ ભરશે?" ત્યારે પરેશ રાવલે તેમની ખાસ 'બાબુરાવ' સ્ટાઇલમાં ટૂંકો અને સચોટ જવાબ આપ્યો – "IMF!" આ કટાક્ષ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર સીધો પ્રહાર છે, કારણ કે પાકિસ્તાન હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના હપ્તાઓ પર જ જીવી રહ્યું છે. નેટીઝન્સ પણ મજાક કરી રહ્યા છે કે પાકિસ્તાન કદાચ IMF પાસે નવી લોન માંગતી વખતે 'શાંતિ મંત્રણા ખર્ચ' નામે અલગથી અરજી કરશે.

રાજદ્વારી દ્રષ્ટિએ આ બેઠક ભલે નિષ્ફળ રહી હોય, પણ પાકિસ્તાન માટે તે આર્થિક રીતે 'માથાનો દુખાવો' સાબિત થઈ રહી છે. હોટેલના રૂમો ખાલી કરાવવાથી લઈને આખા શહેરને બે દિવસ બંધ રાખવા સુધીના ખર્ચે પાકિસ્તાની તિજોરી પર મોટો બોજ નાખ્યો છે. વિરોધ પક્ષો અને સામાન્ય જનતા હવે સવાલ ઉઠાવી રહી છે કે જ્યારે કોઈ પરિણામ જ નહોતું આવવાનું, તો આટલો મોટો 'શો-બાજી' કરવાનો અર્થ શું હતો? હવે જોવાનું એ રહે છે કે આ બિલ ચૂકવવા માટે પાકિસ્તાન ચીન સામે હાથ ફેલાવે છે કે પછી સેરેના હોટેલના માલિકે 'દેશપ્રેમ' સમજીને બિલ માફ કરવું પડશે!

(10:23 PM IST)