<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

દુનિયાના સૌથી ઊંચા માણસે ધામધૂમથી કર્યા હતા લગ્નઃ હવે પત્‍નીએ આપ્‍યા છૂટાછેડા

ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ ધરાવતા ૮ ફૂટ ૩ ઈંચ ઊંચા સુલતાન કોસેનના લગ્ન જીવનનો અંત આવ્‍યો છે : સુલતાને સીરિયાની મર્વે દીબો સાથે ૧૫૦૦ મહેમાનોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા

નવી દિલ્‍હી,તા.૧: દુનિયાના સૌથી લાંબા વ્‍યક્‍તિ સુલતાન કોસેનના લગ્નના સમાચાર એક સમયે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્‍યા હતા. ૮ ફૂટ ૩ ઈંચ લાંબા સુલતાને ધામધૂમથી લગ્ન કર્યા હતા, પરંતુ હવે આ સંબંધ તૂટી ગયો છે. સુલતાન અને તેમની પત્‍ની મર્વે દીબોના છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા પછી દુઃખી સુલતાને તેનું ખુલ્‍લું કારણ પણ જણાવ્‍યું છે. સુલતાન કોસેન તુર્કીના રહેવાસી છે અને તેમનો જન્‍મ ૧૦ ડિસેમ્‍બર ૧૯૮૨ના રોજ થયો હતો. બાળપણથી જ તેમની ઊંચાઈ અસામાન્‍ય રીતે વધવા લાગી હતી. પિટ્‍યુટરી ગ્‍લેન્‍ડમાં ટ્‍યુમરને કારણે તેમને ગિગાન્‍ટિઝમની સમસ્‍યા હતી. બાદમાં સારવારથી તેમની વધતી ઊંચાઈ અટકી ગઈ, પરંતુ તેઓ વિશ્વના સૌથી લાંબા વ્‍યક્‍તિ બની રહ્યા અને ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં તેમનું નામ નોંધાયેલું છે.

લગ્ન પહેલા સુલતાન ઘણીવાર કહી ચૂક્‍યા હતા કે, તેમનું સૌથી મોટું સપનું પ્રેમ કરવો અને લગ્ન કરવાનું છે. ઊંચાઈને કારણે તેમને યોગ્‍ય જીવનસાથી શોધવામાં ઘણી મુશ્‍કેલી પડી રહી હતી. આખરે તેમનું સપનું પૂરું થયું અને તેમણે સીરિયાની રહેવાસી મર્વે દીબો સાથે લગ્ન કર્યા હતા. મર્વે તેમના કરતા આશરે ૨ ફૂટ ૭ ઈંચ નાની હતી. લગ્નમાં ૧૫૦૦થી વધુ મહેમાનો જોડાયા હતા અને ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. લગ્ન પછી બંનેએ તુર્કીના પોતાના ગામમાં ખાસ રીતે બનાવેલા ઘરમાં રહેવાનું શરૂ કર્યું, પરંતુ આ ખુશીઓ લાંબો સમય ટકી નહીં. થોડા વર્ષો પછી બંને વચ્‍ચે તણાવ વધવા લાગ્‍યો અને આખરે તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

સુલતાને ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું હતું કે, સૌથી મોટી સમસ્‍યા ભાષાની દીવાલ હતી. સુલતાન તુર્કીશ ભાષા બોલે છે જ્‍યારે તેમની પત્‍ની મર્વે ફક્‍ત અરબી બોલતી હતી. બંને વચ્‍ચે બરાબર વાતચીત થઈ શકતી નહોતી અને આ સંવાદની કમીને કારણે સંબંધમાં તિરાડ પડી ગઈ હતી. સુલતાને જણાવ્‍યું કે, ઊંચાઈને કારણે પણ અનેક પડકારો હતા. ઘરેલું જીવનમાં રોજિદી નાની-નાની વસ્‍તુઓ તેમના માટે મુશ્‍કેલ બની જતી હતી. ખાસ કરીને ઘરની સજાવટ, પલંગ, દરવાજા અને ફર્નિચર બધું જ તેમની ઊંચાઈ મુજબ બનાવવું પડતું હતું. પત્‍ની સાથે આ નાની બાબતોમાં પણ અસુવિધા થતી હતી. છૂટાછેડા પછી સુલતાન ઘણા દુઃખી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ હજી પણ પ્રેમ અને લગ્નની શોધમાં છે. થોડા સમય પહેલા તેઓ રશિયા પણ ગયા હતા જેથી નવી જીવનસાથી શોધી શકે, પરંતુ હજુ સુધી તેમને સફળતા મળી નથી. સુલતાનનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. ઊંચાઈને કારણે તેમને ચાલવા-ફરવામાં તકલીફ અને સાંધાના દુખાવા જેવી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો પણ સામનો કરવો પડ્‍યો છે. તેમ છતાં તેઓ હાર માનતા નથી, તેઓ એક ખેડૂત છે અને ગામમાં પરિવાર સાથે રહે છે. તેમની લગ્ન અને છૂટાછેડાની વાર્તા સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. 

 

(9:51 AM IST)