<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

આમલીનું 'ગ્લોબલ માર્કેટ': ભારતની ખાટી-મીઠી આમલીનો દુનિયાભરમાં ડંકો, જાણો કયું રાજ્ય છે ઉત્પાદનમાં નંબર-1?

વાર્ષિક 3 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે ભારત બન્યું વિશ્વનું 'ટેમરિંડ હબ' : અમેરિકાથી લઈને સાઉદી અરેબિયા સુધી ભારતીય આમલીની ભારે માંગ : કર્ણાટક અને મહારાષ્ટ્રને પાછળ છોડી આ દક્ષિણ ભારતીય રાજ્યએ મેળવી પ્રથમ ક્રમની સિદ્ધિ

ચેન્નાઈ: રસોડામાં ચટણી હોય કે દાળનો સ્વાદ, આમલી વગર ભારતીય ભોજન અધૂરું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત વિશ્વમાં આમલીનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે? ભારત દર વર્ષે અંદાજે 3,00,000 મેટ્રિક ટન આમલીનું ઉત્પાદન કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, કર્ણાટક કે મહારાષ્ટ્ર નહીં, પરંતુ તમિલનાડુ ભારતમાં આમલીના ઉત્પાદનમાં મોખરે છે. તમિલનાડુનું ગરમ વાતાવરણ અને શુષ્ક જમીન આમલીના વૃક્ષો માટે વરદાન સમાન સાબિત થાય છે, જેના કારણે અહીંના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો મોટા પાયે આ 'કાળા સોના'ની ખેતી કરી રહ્યા છે.

ભારતીય આમલીનો સ્વાદ હવે માત્ર દેશી થાળી સુધી સીમિત નથી રહ્યો, પરંતુ સાઉદી અરેબિયા, યુએઈ, મલેશિયા અને છેક અમેરિકા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ભારતીય મસાલા અને આમલીની જબરી માંગ રહે છે. ખેડૂતો માટે આમલી એક એવો પાક છે જેનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે અને તેને અન્ય પાકોની સરખામણીમાં ખૂબ જ ઓછી સંભાળની જરૂર પડે છે. તમિલનાડુ બાદ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર પણ આ સ્પર્ધામાં આગળ છે, જ્યાંથી મોટા પ્રમાણમાં આમલીની નિકાસ કરવામાં આવે છે.

વૈશ્વિક સ્તરે ભારતીય વ્યંજનોની વધતી જતી લોકપ્રિયતાને કારણે આમલીનો ઉપયોગ હવે માત્ર ઘરગથ્થુ રસોઈમાં જ નહીં, પરંતુ મોટા પાયે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ થઈ રહ્યો છે. તૈયાર ચટણીઓ, કેન્ડી અને પીણાં બનાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી આમલી પર નિર્ભર છે. ઓસ્ટ્રેલિયા અને યુરોપના બજારોમાં પણ હવે ભારતીય આમલીના પલ્પની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે, જે ભારતીય ખેડૂતો માટે વિદેશી હૂંડિયામણ કમાવવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે.

(8:58 PM IST)