<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બપોરે 1 વાગ્યા સુધીમાં 'ટાટા, બાય-બાય': અમિત ભાઈ શાહે 22 એપ્રિલે બંગાળમાં કરેલી ભવિષ્યવાણી સાચી પડી

દમદમ ખાતે એક રેલીમાં અમિતભાઇ શાહે કહ્યું હતું હતું કે, "4 મેના રોજ સવારે મતગણતરી શરૂ થશે, 8 વાગ્યે બેલેટ બોક્સ ખુલશે, 9 વાગ્યે પ્રથમ રાઉન્ડ અને 10 વાગ્યે બીજો રાઉન્ડ પૂરો થશે... અને બપોરે 1 વાગ્યા સુધીમાં તો દીદી સત્તાની બહાર થઈ જશે... ટાટા, બાય-બાય!"

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ભારતીય જનતા પાર્ટી બંગાળમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી રહી છે. બપોરે 3 વાગ્યા સુધીના વલણોમાં ભાજપ 191 બેઠકો પર આગળ છે, જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ માત્ર 97 બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ જણાય છે.

આ ઐતિહાસિક પલટવારની વચ્ચે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું એક જૂનું ભાષણ જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વીડિયોને લોકો 'ટાટા બાય-બાય' ના કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. નેટીઝન્સ દાવો કરી રહ્યા છે કે શાહે જે ભવિષ્યવાણી કરી હતી, તે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે.

ખરેખર, આ વીડિયો 22 એપ્રિલ 2026 ના રોજ દમદમ ખાતે આયોજિત એક ચૂંટણી રેલીનો છે. જેમાં અમિતભાઈ શાહે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, "4 મેના રોજ સવારે મતગણતરી શરૂ થશે, 8 વાગ્યે બેલેટ બોક્સ ખુલશે, 9 વાગ્યે પ્રથમ રાઉન્ડ અને 10 વાગ્યે બીજો રાઉન્ડ પૂરો થશે... અને બપોરે 1 વાગ્યા સુધીમાં તો દીદી સત્તાની બહાર થઈ જશે... ટાટા, બાય-બાય!"

પોતાના ભાષણ દરમિયાન શાહે ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘૂસણખોરોને શરણ આપીને તેમને વોટબેંકમાં ફેરવવામાં આવ્યા છે, જેના કારણે કોલકાતા તેની ઓળખ ગુમાવી રહ્યું છે. તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સત્તામાં આવતા જ કોલકાતાને ફરીથી તેનું ગૌરવ અપાવશે અને તેને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની દિશામાં કામ કરશે. હાલમાં, ચૂંટણીના આંકડા ભાજપ માટે ઉત્સાહજનક છે, પરંતુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

(9:09 PM IST)