News of Wednesday, 6th May 2026
ટેક્સપેયર્સ સાવધાન! આવી ગયું ઇન્કમ ટેક્સ કેલેન્ડર 2026-27: એક દિવસની ભૂલ પણ પડી શકે છે ભારે, નોંધી લો ITR અને TDSની મહત્વની તારીખો
દંડ અને વ્યાજથી બચવા માટે સમયસર રિટર્ન ફાઈલ કરવું અનિવાર્ય: એડવાન્સ ટેક્સથી લઈ ફોર્મ-16 સુધીના તમામ ડેડલાઇનનું લિસ્ટ જાહેર

રાજકોટ: તા.૦૬ નવું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે દરેક કરદાતા માટે આગામી મહિનાઓ ખૂબ જ મહત્વના રહેવાના છે. આવકવેરા વિભાગના નિયમો મુજબ જો તમે નિશ્ચિત સમયમર્યાદામાં ટેક્સ અથવા રિટર્ન ફાઈલ નથી કરતા, તો તમારે મોટો દંડ અને વ્યાજ ચૂકવવું પડી શકે છે. તમારી સુવિધા માટે અહીં આખા વર્ષનું ટેક્સ કેલેન્ડર આપવામાં આવ્યું છે.
એડવાન્સ ટેક્સના હપ્તા ક્યારે ભરશો?
જો તમારો અંદાજિત ટેક્સ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ થતો હોય, તો તમારે તેને ચાર હપ્તામાં ચૂકવવો પડે છે. જો આ તારીખો ચૂકશો તો કલમ 234B/234C હેઠળ ૧% વ્યાજ વસૂલવામાં આવશે:
• ૧૫ જૂન ૨૦૨૬: ૧૫ ટકા ટેક્સ
• ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬: ૪૫ ટકા ટેક્સ
• ૧૫ ડિસેમ્બર ૨૦૨૬: ૭૫ ટકા ટેક્સ
• ૧૫ માર્ચ ૨૦૨૭: ૧૦૦ ટકા ટેક્સ
ITR ફાઇલિંગ માટેની છેલ્લી તારીખો
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવા માટે અલગ-અલગ કેટેગરી મુજબ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે:
• સામાન્ય કરદાતાઓ માટે: ૩૧ જુલાઈ ૨૦૨૬
• ઓડિટ જરૂરી હોય તેવા કેસ માટે: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬
• વિલંબિત (Belated) રિટર્ન માટે: ૩૧ ડિસેમ્બર ૨૦૨૬
ફોર્મ ૧૬ અને ટેક્સ સેવિંગ રોકાણ
પગારદાર કર્મચારીઓ માટે ફોર્મ ૧૬ એ સૌથી મહત્વનું દસ્તાવેજ છે, જે ૧૫ જૂન ૨૦૨૬ સુધીમાં મળી જવું જરૂરી છે. આ ઉપરાંત, જો તમે ટેક્સ બચાવવા માટે 80C હેઠળ PPF, LIC કે ELSS માં રોકાણ કરવા માંગતા હોવ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા માંગતા હોવ, તો તેની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૨૭ રહેશે.
ડેડલાઇન ચૂકશો તો શું થશે?
સમય મર્યાદાનું પાલન ન કરવા પર આવકવેરા વિભાગ કડક કાર્યવાહી કરી શકે છે. જેમાં ૫૦૦ રૂપિયાથી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને પ્રતિ માસ ૧% ના દરે વ્યાજ ચૂકવવું પડી શકે છે. તેથી, છેલ્લી ઘડીની દોડધામ ટાળવા માટે અત્યારથી જ આ તારીખો ડાયરીમાં નોંધી લેવી હિતાવહ છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
