News of Monday, 13th July 2026
ચાથી લઈને દવા સુધી... બ્રિટિશ લોકો હવે ખરીદશે ભારતીય પ્રોડક્ટ્સ
ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)થી ભારતીય નિકાસકારો માટે નવા અવસર ઊભા થવાની આશા : ભારત અને બ્રિટન વચ્ચે ૧૫ જુલાઈથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલમાં આવશે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં મોટો ફેરફાર લાવશે

નવી દિલ્હી તા.૧૩: ભારત અને બ્રિટન વચ્ચે ૧૫ જુલાઈથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલમાં આવશે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં મોટો ફેરફાર લાવશે. આ સમજૂતીથી માત્ર એકબીજાના ઉત્પાદનો સસ્તા નહીં થાય, પરંતુ બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને પણ નવી દિશા મળશે. જેમ અંગ્રેજોએ ક્યારેક ભારતને ચા પીવાની આદત આપી હતી, હવે તે જ બ્રિટિશ લોકો ભારતીય ચા પહેલાથી વધુ સસ્તા ભાવે ખરીદી શકશે. જીવન બચાવતી અને આરોગ્ય સુધારતી ભારતીય દવાઓ પણ હવે તેમને ઓછી કિમતે મળશે. જોકે આનો ફાયદો માત્ર બ્રિટનને જ નહીં, પરંતુ ભારતને પણ ઓછા શુલ્ક સાથે એક મોટું અને સમૃદ્ધ બજાર મળશે.
આવું એટલા માટે શક્ય બનશે કારણ કે બ્રિટનના લોકોની ખરીદ શક્તિ ઘણી સારી છે. ભલે ભારતીય ઉત્પાદનો તેમના માટે સસ્તા બનશે, પરંતુ તે ભારતમાંથી સારા ભાવે જ નિકાસ થશે. બ્રિટિશ ગ્રાહકોની ખરીદ શક્તિને ધ્યાનમાં લેતા ભારતીય માલ તેમની માટે વધુ સસ્તો લાગશે, જેના કારણે તેની માગમાં વધારો થશે. માગ વધતાં વેચાણ અને નફો બંને વધશે. પરિણામે ભારતીય વેપારીઓને મોટો લાભ મળશે અને આખરે દેશની અર્થવ્યવસ્થાને પણ તેનો સીધો ફાયદો થશે. ચાલો જાણીએ કે આ કરારથી કોને સૌથી વધુ લાભ મળશે...
ભારતમાંથી બ્રિટનમાં જતાં અનેક મુખ્ય ઉત્પાદનોને આ કરારનો લાભ મળી શકે છે. તેમાં બાસમતી ચોખા, મસાલા, ચા, કોફી, રેડીમેડ કપડાં, ટેક્સટાઇલ, હેન્ડલૂમ ઉત્પાદનો, જેનરિક દવાઓ, એન્જિનિયરિંગ ઉત્પાદનો અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બ્રિટનમાં આ ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક કિમતે ઉપલબ્ધ બનવાની શક્યતા છે, જેના કારણે ભારતીય નિકાસકારોના વેચાણમાં વધારો થઈ શકે છે.
આ કરારનો સૌથી મોટો લાભ ભારતના નિકાસ ક્ષેત્રને મળશે. ભારતીય કંપનીઓને બ્રિટનના વિશાળ બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. ટેક્સટાઇલ, ફાર્મા, ફૂડ પ્રોસેસિગ અને એન્જાિનિયરિગ ક્ષેત્રમાં નવા ઓર્ડર મળવાની શક્યતા વધશે. તેના કારણે ઉત્પાદન વધશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
આ કરાર બાદ બ્રિટનથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર ભારતમાં પણ આયાત શુલ્ક ઓછું થઈ શકે છે. તેમાં હાઈ-ટેક મશીનરી, મેડિકલ સાધનો, એન્જિનિયરિગ ઉત્પાદનો, ઓટોમોબાઇલ પાર્ટ્સ અને પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કી જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેના કારણે ભારતીય ઉદ્યોગોને નવી ટેક્રોલોજી મળશે અને કેટલાક આયાતી ઉત્પાદનો પહેલાની સરખામણીએ સસ્તા થઈ શકે છે.
પીયૂષ ગોયલે જણાવ્યું કે, આ કરાર સાથે સોશિયલ સિક્યોરિટી સંબંધિત વ્યવસ્થાનો પણ લાભ મળશે. હવે બ્રિટનમાં નિર્ધારિત કેટેગરી હેઠળ કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને ડબલ સોશિયલ સિક્યોરિટીનું ભારણ સહન કરવું નહીં પડે. તેના કારણે તેમની આવકનો મોટો ભાગ બચશે અને ભારત પરત ફર્યા બાદ પણ તેનો લાભ મળી શકશે.
ભારત અને બ્રિટન વચ્ચેનો FTA બંને દેશો માટે મહત્વપૂર્ણ આર્થિક પગલું માનવામાં આવી રહ્યું છે. તેના કારણે વેપારમાં વધારો થશે, રોકાણ આવશે અને ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારમાં વધુ મજબૂત સ્થાન મળશે. ખાસ કરીને એવા સમયે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં ટેરિફ અને વેપાર સંબંધિત તણાવ વધી રહ્યો છે, ત્યારે આ કરાર ભારતીય નિકાસકારો માટે નવી તકોના દરવાજા ખોલી શકે છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
