News of Friday, 29th May 2026
શિક્ષકોની નોકરી પર લટકતી તલવાર ટળી: સુપ્રીમ કોર્ટે TET પાસ કરવાની મુદત એક વર્ષ લંબાવી
દિલ્હીના રામલીલા મેદાનમાં ૩૦ હજાર શિક્ષકોના ઉગ્ર આંદોલન બાદ સર્વોચ્ચ અદાલતનો મોટો ચુકાદો : હવે ઓગસ્ટ ૨૦૨૮ સુધીનો સમય મળતા દેશભરના લાખો શિક્ષકોને રાહત

નવી દિલ્હી: દેશભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા અને TET પાસ ન કરી શકનારા લાખો શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટમાંથી એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે શિક્ષકોની નોકરી પર મંડરાઈ રહેલા જોખમને ધ્યાનમાં રાખીને TET પરીક્ષા પાસ કરવાની અંતિમ સમયમર્યાદાને વધુ એક વર્ષ માટે લંબાવી દીધી છે. કોર્ટના નવા આદેશ અનુસાર, હવે અસરગ્રસ્ત શિક્ષકોએ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૮ સુધીમાં આ પરીક્ષા પાસ કરવાની રહેશે, જે અગાઉ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૭ નક્કી કરવામાં આવી હતી. અદાલતના આ માનવતાવાદી અભિગમથી ખાસ કરીને એવા રાજ્યોના શિક્ષકોનો માનસિક તણાવ ઓછો થયો છે જ્યાં હજુ પણ મોટી સંખ્યામાં શિક્ષકો આ લાયકાત મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.
આ ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે શિક્ષકો સમક્ષ કેટલીક કડક શરતો અને ટિપ્પણીઓ પણ કરી છે. કોર્ટે વર્ષ ૨૦૦૯ પહેલા નિયુક્ત થયેલા જૂના શિક્ષકોની એ અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી છે જેમાં તેઓએ TET માંથી કાયમી મુક્તિ આપવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોની બેન્ચે શિક્ષકોને આકરા શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, "શિક્ષકોએ માત્ર પોતાની નોકરી બચાવવા માટે મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ દેશના ભવિષ્ય સમાન બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર પણ સમાન ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ." કાયદાકીય રાહત માત્ર એક તક છે, લાયકાત સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેવું કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
વાસ્તવમાં, આ વિવાદ ત્યારે વધુ વકર્યો હતો જ્યારે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા માટે TET ફરજિયાત બનાવવામાં આવી હતી અને મુદત પૂરી થવાના આરે હોવાથી હજારો શિક્ષકોની નોકરીઓ છીનવાઈ જવાનો ભય ઊભો થયો હતો. આ નિયમના વિરોધમાં થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશના આશરે ૩૦,૦૦૦ જેટલા શિક્ષકોએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અદાલતે આંદોલનકારી શિક્ષકોની આજીવિકાને ધ્યાનમાં રાખીને સમય તો આપ્યો છે, પરંતુ સાથે જ શિક્ષણની ગુણવત્તા જાળવવાની સંપૂર્ણ જવાબદારી હવે શિક્ષકોના ખભા પર મૂકી દીધી છે
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
