<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભારત અને અમેરિકા વચ્ચે રચાશે ટેકનોલોજીનો હાઈ-વે: સિલિકોન વેલીમાં ગુંજ્યું ભારતનું નામ, ડીપ ટેક સેક્ટરમાં $12 બિલિયનના રોકાણ સાથે નવા યુગનો પ્રારંભ

AI, સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેકનોલોજીમાં ભારત બનશે ગ્લોબલ લીડર: પાલો અલ્ટોમાં યોજાયેલા સેમિનારમાં નિષ્ણાતોએ ભારતની 'રિસર્ચ એન્ડ ઇનોવેશન સ્કીમ'ને ગણાવી ગેમ ચેન્જર

પાલો અલ્ટો (કેલિફોર્નિયા): તા.૦૮ વિશ્વના ટેકનોલોજી હબ ગણાતા કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જતો મહત્વનો સેમિનાર યોજાયો હતો. "ઇન્ડિયન ડીપ ટેક ઓપોર્ચ્યુનિટી: બિલ્ડિંગ ધ ઇન્ડિયા-યુએસ કોરિડોર" વિષય હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભારતના વધતા જતા ટેકનોલોજી પ્રભુત્વ અને સરહદ પારના રોકાણની તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી.
સેમિનર દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સુલ જનરલ શ્રીકર રેડ્ડી કોપ્પુલાએ ભારત સરકારની ₹૧ લાખ કરોડ ($૧૨ બિલિયન) ના ભંડોળવાળી 'રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન સ્કીમ'ને "ગેમ ચેન્જર" ગણાવી હતી. આગામી છ વર્ષ માટે તૈયાર કરાયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રને સંશોધન અને વિકાસમાં પ્રોત્સાહિત કરવાનો છે. ભારત હવે માત્ર સોફ્ટવેર સર્વિસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે હાર્ડ-કોર ટેકનોલોજી અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં પણ વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે તેવો આત્મવિશ્વાસ અહીં વ્યક્ત થયો હતો.
આ મંચ પરથી 'ઇન્ડિયા ડીપ ટેક એલાયન્સ' દ્વારા $૨.૫ બિલિયનથી વધુના ખાનગી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આ જોડાણમાં Nvidia, Qualcomm Ventures અને Premji Invest જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. TiE સિલિકોન વેલીના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની પ્રતિભા અને અમેરિકાની ટેકનોલોજીકલ ક્ષમતા વચ્ચેનો આ સમન્વય આવનારા વર્ષોમાં વૈશ્વિક ટેક માર્કેટનું ચિત્ર બદલી નાખશે. ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે હવે સિલિકોન વેલીના દરવાજા વધુ પહોળા થયા છે, જે ભારતને 'વિકસિત ભારત' તરફ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે.

(3:56 PM IST)