News of Sunday, 6th September 2026
પરીક્ષા પત્રો ફૂટવા અને બેરોજગારી વિરુદ્ધ તેજસ્વી યાદવની રાજભવન કૂચઃ પાણીનો મારો ચલાવી પોલીસે વિરોધીઓનો રસ્તો રોક્યો
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત બંધ કરોના નારા વચ્ચે તેજસ્વી અને મીસા ભારતીની અટકાયત, એક કલાક બાદ મુક્તિ અપાઈ: બિહારની પરીક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ધરાશાયી થયાનો વિપક્ષનો પ્રહારઃ સિવાનમાં વિદ્યાર્થીઓ ઉપર ગોળીબારનો જવાબ માગતી પ્રચંડ રાજકીય લડાઈ

પટણા : બિહારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો ફૂટવા, ભરતીમાં કથિત ગેરરીતિ, બેરોજગારી અને સિવાનમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા ગોળીબારના વિરોધમાં રાષ્ટ્રીય જનતા દળે તા. ૧૯ ઓગસ્ટે રાજભવન તરફ કૂચ કરી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવની આગેવાનીમાં સાંસદો, ધારાસભ્યો, પક્ષના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો કૂચમાં જોડાયા હતા.
પટણાના જેપી ગોળમ્બરથી શરૂ થયેલી કૂચ આગળ વધતાં પોલીસે અવરોધકો ગોઠવી વિરોધીઓને રોક્યા હતા. કાર્યકરો આગળ વધવાનો પ્રયાસ કરતાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેજસ્વી યાદવ, સાંસદ મીસા ભારતી અને અન્ય નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેજસ્વીને પોલીસ વાહનમાં લઈ જવાયા બાદ આશરે એક કલાકે મુક્ત કરવામાં આવ્યા અને કૂચ પક્ષના કાર્યાલય નજીક અટકી ગઈ હતી.
તેજસ્વીએ આરોપ મૂક્યો હતો કે રાજ્યમાં ભરતી અથવા શૈક્ષણિક પરીક્ષા યોજાય ત્યારે વારંવાર પ્રશ્નપત્ર ફૂટવાની ફરિયાદો સામે આવે છે, છતાં જવાબદારો સુધી તપાસ પહોંચતી નથી. તેમણે સિવાનના વિદ્યાર્થી વિરોધ દરમિયાન ગોળીબાર કોણે અને કોના આદેશથી કર્યો તેનો જવાબ માગ્યો હતો. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક યુવાનોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સરકારે વિપક્ષના રાજકીય આરોપોને નકારતાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ કાર્યવાહી જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેજસ્વીએ પારદર્શક પરીક્ષા, પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાઓ ઉપર રોક અને યુવાનોને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
