<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બંગાળમાં રસાકસી : ભાજપની લીડ છતાં મમતા બેનર્જીનો આશાવાદ, ‘ચિત્ર હજુ બાકી છે, કાર્યકરો મેદાન છોડતા નહીં’ તેવો મક્કમ નિર્ધાર : જુઓ વિડિયો

ઈવીએમ અને કેન્દ્રીય એજન્સીઓ પર મમતા બેનર્જીએ સાધ્યું નિશાન : 100થી વધુ બેઠકો પર ટીએમસી આગળ હોવાનો દાવો કરતા મમતા બેનર્જીએ કહ્યું, ‘સૂર્યાસ્ત સુધીમાં પરિણામો પલટાશે, આ માત્ર શરૂઆત છે’

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તાનું સિંહાસન કોણ કબજે કરશે તેને લઈને ભારે અસમંજસ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ એક આશ્ચર્યજનક નિવેદન આપીને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. બપોર સુધીના વલણોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધતું જણાતા ટીએમસી છાવણીમાં ચિંતા હતી, પરંતુ મુખ્યમંત્રીએ લડાયક મૂડમાં આવીને કાર્યકરોને મનોબળ ન હારવા હાકલ કરી છે. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે પરિણામોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે અને હકીકતમાં ટીએમસી હજુ પણ મજબૂત સ્થિતિમાં છે.
ભાજપની રણનીતિ સામે મમતાનો વળતો પ્રહાર
પરિણામોના વલણો પર પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, "કાઉન્ટિંગ એજન્ટો અને ઉમેદવારોએ કોઈપણ સંજોગોમાં ગણતરી કેન્દ્ર છોડવું જોઈએ નહીં. ભાજપ જાણીજોઈને એવું વાતાવરણ ઉભું કરી રહી છે કે જેથી તેઓ આગળ હોય તેવું દેખાય. કલ્યાણી જેવા વિસ્તારોમાં મશીનોમાં ગેરરીતિઓ જોવા મળી છે અને ઘણી જગ્યાએ ગણતરી અટકાવી દેવામાં આવી છે." તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય દળો દ્વારા ટીએમસીના કાર્યકરો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ તેમની સાથે મળીને કામ કરી રહી છે.
ચૂંટણી પંચ અને કેન્દ્રીય દળો પર નિશાન
મમતા બેનર્જીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે પંચ પોતાની મરજી મુજબ કામ કરી રહ્યું છે અને ભાજપને ફાયદો પહોંચાડવા માટે બધું ખોટું રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ટીએમસી હજુ પણ 100થી વધુ બેઠકો પર આગળ છે, પરંતુ તે આંકડાઓ જાણીજોઈને જાહેર કરવામાં આવતા નથી. તેમણે એસઆઈઆર (SIR) દ્વારા મત ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
‘સૂર્યાસ્ત પછી આપણી જીત થશે’
પોતાના કાર્યકરોમાં જોશ પૂરતા મમતા બેનર્જીએ કહ્યું કે અત્યારે માત્ર 2 થી 4 રાઉન્ડની ગણતરી જ પૂર્ણ થઈ છે, જ્યારે હજુ 14 થી 18 રાઉન્ડ બાકી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમ-જેમ ગણતરી આગળ વધશે તેમ ચિત્ર બદલાશે. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું, "કોઈને ડરવાની જરૂર નથી, સૂર્યાસ્ત પછી ટીએમસીની જ જીત થશે." હાલમાં બંગાળમાં ભાજપ બહુમતીના આંકડાને સ્પર્શતી દેખાઈ રહી છે, પરંતુ મમતા બેનર્જીના આ આત્મવિશ્વાસ બાદ હવે સાંજ સુધીની ગણતરી અત્યંત રોમાંચક બની રહેશે.

 

(1:34 PM IST)