<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

હિમાચલના લાહૌલ સ્પિતિમાં તાંદી-સંસારી નેશનલ હાઈવે પર સર્જાયેલી ભયાનક દુર્ઘટના : ટાટા સુમો પર પહાડ પરથી વિશાળ ખડક ખાબકતાં ચાલક સહિત ૧૩ લોકોના કરૂણ મોત

કડૂ નાલા પાસે કુલ્લુથી પાંગી જઈ રહેલી ટેક્સી કાટમાળ નીચે કચડાતાં અરેરાટી : લાહૌલ પોલીસ, બીઆરઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખરાબ મોસમ વચ્ચે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ

પાંગી : હિમાચલ પ્રદેશના જનજાતીય જિલ્લા લાહૌલ-સ્પિતિના તાંદી-સંસારી રાષ્ટ્રીય રાજમાર્ગ પર શુક્રવારે બપોરે એક અત્યંત દર્દનાક રસ્તા અકસ્માત સર્જાયો છે. કુલ્લુથી પાંગી તરફ જઈ રહેલી એક ટાટા સુમો ટેક્સી (HP-01M-2210) ઉદયપુર-કિલાડ માર્ગ પર આવેલા કડૂ નાલા નજીક પહાડ પરથી અચાનક ધસી પડેલી વિશાળ ખડકો અને ભારેભરકમ કાટમાળની ચપેટમાં આવી ગઈ હતી. આ ભયાનક હોનારતમાં ગાડીમાં મુસાફરી કરી રહેલા ૧૩ લોકોના નીપજ્યા છે.

 

પ્રારંભિક વિગતો મુજબ, આ વાહનમાં ચાલક સહિત કુલ ૧૪ લોકો સવાર હતા. ઉદયપુર - કિલાડ માર્ગ અગાઉના દિવસે બંધ હોવાના કારણે તમામ મુસાફરો રાત્રિ દરમિયાન તિન્દી ખાતે રોકાયા હતા. શુક્રવારે રસ્તો ખુલ્લો થતાં જ વાહન પાંગી જવા માટે રવાના થયું હતું, પરંતુ કડૂ નાલા પાસે પહોંચતાં જ પહાડી પરથી અચાનક મોટો કાટમાળ અને પથ્થરો સીધા ગાડી પર આવી પડ્યા હતા. કાટમાળ એટલો ભારે હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

 

ઘટનાની જાણ થતાં જ સીમા સડક સંગઠન (BRO) ના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરીમાં જોડાયા હતા. આ સાથે જ લાહૌલ પોલીસ, તિન્દી પોલીસ સ્ટેશનની ટીમ, ઉદયપુર વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિત વિવિધ એજન્સીઓની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાંગીના કાર્યકારી નિવાસી કમિશનર અને એસડીએમ અમનદીપ સિંહે પણ સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું સીધું મોનિટરિંગ શરૂ કર્યું હતું.

 

પહાડી વિસ્તારમાં ખરાબ હવામાન અને સતત ઉપરથી ધસી પડતા કાટમાળ વચ્ચે બચાવ ટુકડીઓ યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરી વાહન સુધી પહોંચવાના ભગીરથ પ્રયાસો કરી રહી છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ છતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

 

વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દુર્ઘટના અંગે કોઈપણ પ્રકારની અફવાઓ કે બિનઅધિકૃત માહિતી પર વિશ્વાસ ન કરે અને માત્ર વહીવટી તંત્ર તથા અધિકૃત સ્રોતો દ્વારા જાહેર કરવામાં આવતી માહિતીને જ સાચી માનવી.

(5:24 PM IST)