તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 2nd July 2026
તમિલનાડુના રાજકારણમાં ભયંકર ભૂકંપ: TVK ધારાસભ્યનો દાવો- ‘મને પક્ષ બદલવા ₹૩૫ કરોડની ઓફર કરાઈ!’
વિજયની પાર્ટીને તોડવા ‘ઓપરેશન લોટસ’ જેવી રમતનો સનસનીખેજ આક્ષેપ: ૧૦ ધારાસભ્યો અને એક મંત્રી લાઈનમાં હોવાનો વચેટિયાનો દાવો: DMK એ આક્ષેપો ફગાવી મુખ્યમંત્રી સામે જ મોરચો ખોલ્યો

ચેન્નઈ: તમિલનાડુના રાજકારણમાં રિઝોર્ટ પોલિટિક્સ અને હોર્સ-ટ્રેડિંગના આક્ષેપોએ ફરી એકવાર ભારે સનસનાટી મચાવી દીધી છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજયની પાર્ટી ‘તમિલનાડુ વેટ્રી કઝગમ’ (TVK) ના ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ એક સ્ફોટક ખુલાસો કરતા દાવો કર્યો છે કે, તેમને પક્ષપલટો કરીને સત્તાધારી DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ) માં જોડાવા માટે ₹૩૦ થી ₹૩૫ કરોડની જંગી રોકડ રકમની ઓફર કરવામાં આવી હતી. આટલું જ નહીં, વચેટિયાઓએ એવો પણ દાવો કર્યો હતો કે વિજય સરકારને અસ્થિર કરવા માટે ટીવીકેના ૧૦ ધારાસભ્યો અને એક વર્તમાન મંત્રી ઓલરેડી પક્ષ બદલવા માટે રાજી થઈ ગયા છે, જેને પગલે દક્ષિણ ભારતના આ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ધારાસભ્ય ઇલૈયારાજાએ આ આખા કાવતરાનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, થિરુનાવુક્કારાસુ નામના એક વ્યક્તિએ રાજકીય સલાહકારના પ્રતિનિધિ તરીકે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે લાલચ આપતા કહ્યું હતું કે આ ભવિષ્ય બનાવવાની મોટી તક છે, પરંતુ જો ઓફર ન સ્વીકારી તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી હતી. ધારાસભ્યે ઉમેર્યું કે, "હું મારા નેતા થલાપતિ વિજય અને જનતાના વિશ્વાસ સાથે ક્યારેય દગો કરી શકું નહીં." આ મામલે એક્શનમાં આવેલી તમિલનાડુ પોલીસે થિરુનાવુક્કારાસુ, નરેશ અને થિયાગરાજન નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે એફઆઈઆરમાં ડીએમકેના પૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ અશોક કુમારના નામ દાખલ કરતા આ વિવાદ હવે સંપૂર્ણપણે કાનૂની અને રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગયો છે.
બીજી તરફ, ડીએમકે (DMK) પક્ષે પોતાના પર લાગેલા તમામ ભ્રષ્ટાચાર અને પક્ષપલટો કરાવવાના આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને તેને વિજય સરકારનું સ્ટંટ ગણાવ્યું છે. સામો પ્રહાર કરતા ડીએમકેએ રાજ્યપાલ અને વિજિલન્સ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે કે, ખુદ મુખ્યમંત્રી વિજયે ડીએમકેના બે ધારાસભ્યોને રાજીનામું આપવા માટે પ્રલોભન આપ્યું હતું અને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ હાઈ-વોલ્ટેજ આક્ષેપબાજી બાદ બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી વાક્યયુદ્ધ તીવ્ર બન્યું છે, અને આગામી દિવસોમાં તમિલનાડુનું શાસકીય માળખું કઈ તરફ વળશે તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
