<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

તહેરાન અને અબ્બાસ-કેશમ બંદરમાં ભયંકર વિસ્ફોટો: અમેરિકા - ઈરાન વચ્ચે સીઝફાયર તૂટવાની અણી પર: અમેરિકી સેનાના ઈરાની લશ્કરી મથકો પર પ્રચંડ હુમલા

ન્યૂયોર્ક: એક તરફ ઈરાન સાથે સમજૂતીની ઘડીઓ ગણાઈ રહ્યાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે ખાડી દેશોમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ અમેરિકન યુદ્ધ જહાજો પર થયેલા હુમલા બાદ અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય મથકો પર ભયાનક વળતા પ્રહારો કર્યા છે. 

આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આજે ૮ મેના રોજ વહેલી સવારે ઈરાનની રાજધાની તહેરાનના પશ્ચિમી વિસ્તારોમાં અને દક્ષિણના બંદર અબ્બાસ તેમજ કેશમ ટાપુ નજીક શ્રેણીબદ્ધ મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. આ હુમલાઓને ખાળવા માટે ઈરાની વાયુ સંરક્ષણ પ્રણાલીઓ એટલે કે એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક સક્રિય કરી દેવામાં આવી હતી. 

ગત ૮ એપ્રિલના રોજ બંને દેશો વચ્ચે થયેલો હંગામી યુદ્ધવિરામ હવે લગભગ તૂટવાની અણી પર આવી ગયો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર નિવેદન મુજબ, ઈરાની દળોએ ડ્રોન અને મિસાઈલો દ્વારા તેમના જહાજોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ આ આકરી સૈન્ય કાર્યવાહી કરી છે. 

ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર દાવો કર્યો હતો કે અમેરિકાના ત્રણેય ડિસ્ટ્રોયર સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે ડ્રોનને હવામાં જ સળગાવી દેવામાં આવ્યા હતા, જે સમુદ્રમાં કોઈ પતંગિયું પોતાની કબર તરફ સળગતું જતું હોય તેમ પડતા દેખાયા હતા. તેમણે કહ્યું કે ઈરાન કોઈ સામાન્ય દેશ નથી અને ત્યાંનુ નેતૃત્વ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. અમેરિકાના આ પગલાંને ડોનાલ્ડ ટ્રમ્પે "લવ ટેપ" ગણાવેલ છે, આ પગલું તો માત્ર એક હળવો જવાબ છે તેમ જણાવેલ અને હવે પછીનો જવાબ કેવો હશે તે સમજી લેવા આ ઈશારો કર્યો હતો.

બીજી તરફ ઈરાને સીધો આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ તેમના એક ઓઈલ ટેન્કર પર હુમલો કરીને સૌપ્રથમ યુદ્ધવિરામનો ખુલ્લો ભંગ કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે જો ઈરાન શાંતિ કરાર પર તાત્કાલિક હસ્તાક્ષર નહીં કરે તો ભવિષ્યમાં આના કરતાં પણ વધુ આક્રમક અને વિનાશક હુમલાઓ કરવામાં આવશે. 

આ ઘર્ષણને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય ખોરવાઈ જવાની અને ૮૦૦ થી વધુ વેપારી જહાજો સામુદ્રધુનીમાં ફસાઈ જવાની અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

(9:50 AM IST)