<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

માલીમાં ભયાનક આતંકી હુમલો:રક્ષા મંત્રી પર આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ:રક્ષામંત્રીનું પરિવાર સાથે કરુણ મોત

માલીની રાજધાની બમાકો સહિત ગાઓ અને કિદાલ જેવા મોટા શહેરોમાં તોફાનો શરૂ:સૈન્ય સમર્થકો અને વિદ્રોહી જૂથો વચ્ચે ઠેર-ઠેર અથડામણો:રસ્તાઓ પર આગચંપી અને હથિયારો સાથેના પ્રદર્શનોએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું

આફ્રિકન દેશ માલીમાં એક અત્યંત ભયાનક આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. માલીના શક્તિશાળી રક્ષા મંત્રી સાદિયો કામરા પર બમાકો નજીક કાટી શહેરમાં આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મંત્રી કામરાની સાથે તેમના પરિવારના સભ્યોએ પણ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ આખો દેશ હિંસા અને અરાજકતાની આગમાં હોમાઈ ગયો છે, જેના કારણે માલીની સૈન્ય સરકાર પર મોટું સંકટ આવી પડ્યું છે.

રક્ષા મંત્રી સાદિયો કામરા જ્યારે કાટી શહેરમાં હતા, ત્યારે આતંકીઓએ વિસ્ફોટકોથી ભરેલી કારનો ઉપયોગ કરીને આત્મઘાતી હુમલો કર્યો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મંત્રીનું નિવાસસ્થાન અને આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. રશિયાના કટ્ટર સમર્થક અને સૈન્ય શાસનના મજબૂત સ્તંભ ગણાતા કામરાનું નિધન માલીની સુરક્ષા વ્યવસ્થા માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ સમાન છે. આ હુમલામાં મંત્રીના અંગત અંગરક્ષકો પણ શહીદ થયા હોવાના અહેવાલ છે.

આ હીન હુમલાની જવાબદારી અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન JNIM અને તુઆરેગ વિદ્રોહી જૂથ FLA એ સંયુક્ત રીતે સ્વીકારી છે. આ બંને જૂથો લાંબા સમયથી માલીની સરકાર સામે સશસ્ત્ર લડાઈ લડી રહ્યા છે. વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે માલીના કિદાલ શહેર પર હવે તેમનો સંપૂર્ણ કબજો છે. પશ્ચિમી દેશોથી અંતર રાખીને રશિયા સાથે નિકટતા વધારનાર સાદિયો કામરા આતંકીઓના લાંબા સમયથી ટાર્ગેટ પર હતા.

રક્ષા મંત્રીની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ માલીની રાજધાની બમાકો સહિત ગાઓ અને કિદાલ જેવા મોટા શહેરોમાં તોફાનો શરૂ થઈ ગયા છે. સૈન્ય સમર્થકો અને વિદ્રોહી જૂથો વચ્ચે ઠેર-ઠેર અથડામણો થઈ રહી છે. રસ્તાઓ પર આગચંપી અને હથિયારો સાથેના પ્રદર્શનોએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. સૈન્ય સરકારે દેશમાં કડક કરફ્યુ અને ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરવાની ફરજ પડી છે.

સાદિયો કામરાના નિધનથી માલીમાં સત્તાનું સંતુલન બગડી શકે છે. તેઓ એવા નેતા હતા જેમણે ફ્રાન્સ અને અન્ય પશ્ચિમી દેશોના સૈન્યને માલીમાંથી હાંકી કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તેમની ગેરહાજરીમાં આતંકી જૂથો વધુ મજબૂત બની શકે છે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. રશિયા પણ પોતાના ખાસ મિત્રને ગુમાવતા આ મામલે આકરી પ્રતિક્રિયા આપી શકે છે. આવનારા દિવસો માલીમાં વધુ લોહીયાળ સાબિત થઈ શકે છે.

(7:18 PM IST)