<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સના કાફલા પર આતંકી હુમલો: ભયાનક IED વિસ્ફોટમાં એક જવાન શહીદ : ચાર ગંભીર રીતે ઘાયલ

ઉત્તર-પૂર્વ ભારતમાં આસામ રાઇફલ્સ પર એક જ સપ્તાહમાં આ બીજો મોટો હુમલો : નાગાલેન્ડમા વિસ્તારમાં લશ્કરી વાહનના ફુરચેફુરચા ઉડ્યા: સેના દ્વારા જંગલોમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ

કોહિમા: ઉત્તર-પૂર્વના રાજ્ય નાગાલેન્ડમાંથી એક અત્યંત આઘાતજનક અને હૃદયકંપાવનારા સમાચાર સામે આવ્યા છે. નાગાલેન્ડના સુખોવી વિસ્તાર નજીક પેટ્રોલીંગ કરી રહેલા આસામ રાઇફલ્સના એક વાહનને નિશાન બનાવીને આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. સૈન્ય કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે જ રસ્તાના કિનારે સંતાડીને રાખવામાં આવેલા એક શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ માં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સૈન્ય વાહનના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં દેશે દેશભક્તિના રંગે રંગાયેલા એક બહાદુર જવાનને ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

વિસ્ફોટના અવાજથી આખો ચુમોઉકેડીમા વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જ સૈન્ય એમ્બ્યુલન્સ અને ક્વિક રિએક્શન ટીમ (QRT) ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં ચારેય ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકની લશ્કરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં હાલમાં ડોક્ટરોની ટીમ તેમની જિંદગી બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ હુમલા પાછળ કયા આતંકવાદી સંગઠનનો હાથ છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ જ સપ્તાહમાં આસામ રાઇફલ્સ પર આ બીજો હુમલો છે. આ પહેલા ૬ જુલાઈના રોજ મણિપુરના ઉખરુલ જિલ્લામાં આસામ રાઇફલ્સની ૪૦મી બટાલિયન પર થયેલા આવા જ એક હુમલામાં વોરંટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિંહે દેશ કાજે પોતાનું બલિદાન આપ્યું હતું.

આ કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ નાગાલેન્ડ અને મણિપુર સરહદે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આસામ રાઇફલ્સ અને ભારતીય સેનાના વધારાના જવાનોને તાત્કાલિક અસરથી મોરચે તૈનાત કરવામાં આવ્યા છે. હુમલાખોરો વિસ્ફોટ કરીને ભાગી ન છૂટે તે માટે સુખોવી રેલ્વે સ્ટેશનની આસપાસ અને નજીકના ગીચ જંગલોને ચારેય તરફથી ઘેરી લેવામાં આવ્યા છે અને ભારતીય સેના દ્વારા ડ્રોનની મદદથી એક વિશાળ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, કારણ કે આ તરફ ઉત્તર-પૂર્વ સળગી રહ્યું છે ત્યારે જ બીજી તરફ રાજસ્થાનના અજમેર જિલ્લા સત્ર અદાલતને પણ બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

(7:05 PM IST)