News of Wednesday, 13th May 2026
એવું તો હોતું હશે! ઝાડ પરથી પડેલી કેરી ઉઠાવી તો થશે ૩ લાખથી વધુનો દંડ
સિંગાપોરમાં આવો જ એક કડક કાયદો અત્યારે ચર્ચામાં છે, જ્યાં રસ્તા પર પડેલી કેરી ઉઠાવવી પણ ભારે પડી શકે છે

સિંગાપોર તા.૧૩: સિંગાપોર તેના કડક કાયદાઓ અને શિસ્ત માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, પરંતુ તાજેતરમાં ત્યાંનો એક કાયદો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એક ભારતીય કન્ટેન્ટ ક્રિએટરે વાયરલ વીડિયોમાં જણાવ્યું છે કે, સિગાપોરમાં રસ્તા પર પડેલી કેરી ઉઠાવવી પણ મોંઘી પડી શકે છે. દાવો કરવામાં આવ્યો છે કે, આવું કરવા બદલ ૫,૦૦૦ સિગાપોર ડોલર એટલે કે લગભગ ૩.૭૬ લાખથી વધુ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
પ્રિયંકા સિન્હા નામની કન્ટેન્ટ ક્રિએટરે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક ઝાડ પર પાકેલી કેરીઓ દેખાય છે, જ્યારે ઘણી કેરીઓ નીચે રસ્તાના કિનારે પડેલી જોવા મળે છે. વીડિયોમાં પ્રિયંકા કહે છે કે, કેરી જોવામાં ભલે ગમે તેટલી સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેને ઉઠાવવી કાયદેસર રીતે ખોટું છે.
સિંગાપોરના મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડેવલપમેન્ટ મુજબ, રાજ્યની જમીન પર લાગેલા ઝાડ અને તેના ફળો સરકારના અધિકારમાં આવે છે. ત્યાંની સંસ્થા NParks આ વૃક્ષોની સંભાળ રાખે છે. જો કોઈ વ્યક્તિ આવા ઝાડ પરથી ફળ તોડવા અથવા જમીન પર પડેલા ફળ ઉઠાવવા માગે છે, તો તેણે પહેલા મંજૂરી લેવી પડે છે.
કાયદા મુજબ, મંજૂરી વગર કોઈપણ જાહેર ઉદ્યાન (પબ્લિક પાર્ક)માં ફળ તોડવા અથવા ઉઠાવવા બદલ ૫,૦૦૦ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. જો આ કામ નેચર રિઝર્વ અથવા નેશનલ પાર્કમાં કરવામાં આવે, તો દંડ ૫૦,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે અને કેટલાક કિસ્સામાં જેલની સજા પણ થઈ શકે છે.
વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક યુઝરે પૂછ્યું કે, જો પાલતુ પ્રાણી ફળ ઉઠાવી લે તો શું થશે? જેના પર પ્રિયંકાએ મજાકમાં જવાબ આપ્યો કે, પાલતુ તમારું છે, તેથી દંડ પણ તમારે જ ભરવો પડશેૅ. જ્યારે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો કે, જો ફળ જમીન પર પડી ગયા છે, તો તેને બગડવા થોડી દેવાય.
સિંગાપોર પહેલા પણ તેના અનોખા અને કડક કાયદાઓને કારણે ચર્ચામાં રહ્યું છે. ત્યાં ચ્યુઈંગ ગમ વેચવા અને આયાત કરવા પર પ્રતિબંધ છે. જાહેર સ્થળોએ કચરો ફેલાવવા, થૂંકવા અથવા પબ્લિક ટોયલેટ ફલશ ન કરવા પર પણ ભારે દંડ થઈ શકે છે. બસ અને મેટ્રોમાં ખાવું-પીવું પણ નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે.
આ જ કારણ છે કે, લોકો સિંગાપોરને મજાકમાં ફાઈન સિટી (Fine City) પણ કહે છે, જ્યાં નાની અમસ્તી ભૂલ પણ ખિસ્સા પર ભારે પડી શકે છે
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
