<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સીબીઆઇ દ્વારા હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન સભ્ય સચિવ અને આઇએએસ અધિકારી પ્રદીપ કુમારની સરકારી ભંડોળની ઉચાપત કેસમાં ધરપકડ

ફિક્સ ડિપોઝિટના બહાને હરિયાણા સરકારના આઠ જુદા જુદા વિભાગોમાંથી કુલ ૫૦૪ કરોડ રૂપિયા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તપાસમાં મોટો ધડાકો

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઇ દ્વારા એક મોટા ભ્રષ્ટાચાર કેસમાં સઘન કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઇએ હરિયાણા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન સભ્ય સચિવ અને આઇએએસ અધિકારી પ્રદીપ કુમારની કૌભાંડના મામલામાં ધરપકડ કરી છે.

આ ધરપકડ આઇડીએફસી ફર્સ્ટ બેંકની ચંડીગઢ શાખામાં રાખવામાં આવેલા સરકારી ભંડોળની કથિત ગેરરીતિ અને ઉચાપત સંબંધમાં કરવામાં આવી છે.

બનાવની વિગત એવી છે કે સીબીઆઇનો આરોપ છે કે ફિક્સ ડિપોઝિટ બનાવવાના બહાને ૧૬૯ કરોડ રૂપિયાના સરકારી ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી. બેંકમાં સરકારી નાણાં સુરક્ષિત રાખવાના નામે ફિક્સ ડિપોઝિટ ઊભી કરવાનું બહાનું બનાવીને ત્યારબાદ આ મોટી રકમ ચાઉં કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ કેસની વધુ તપાસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ માત્ર એક જ વિભાગ પૂરતું આ કૌભાંડ સીમિત રાખ્યું ન હતું. આ જ સમાન પદ્ધતિનો ઉપયોગ કરીને આરોપીઓ દ્વારા હરિયાણા સરકારના કુલ આઠ જુદા જુદા વિભાગોમાંથી લગભગ ૫૦૪ કરોડ રૂપિયાની જંગી રકમની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે.

સીબીઆઇ દ્વારા આ સમગ્ર મામલે ઝીણવટભરી અને કડક તપાસ ચાલી રહી છે.

(8:58 PM IST)