તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
E20 પેટ્રોલ અંગે દેશમાં કોઈ વિવાદ કે ફરિયાદ નથી, આવતા મહિને ૧૦૦% ઈથેનોલથી ચાલતી ઈનોવા લોન્ચ થશે: નીતિન ગડકરી
૧૦૦% ફ્લેક્સ-ફ્યુઅલ ઈનોવા કાર ચાલતી વખતે ૬૦% વીજળી ઉત્પન્ન કરશે, પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર રૂ. ૨૫નો જ ખર્ચ આવશે: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી

નવી દિલ્હી: દેશમાં E20 પેટ્રોલને લઈને તાજેતરમાં સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી થયેલી ચર્ચા અને વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઈથેનોલ ઈંધણનો મજબૂત બચાવ કર્યો છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વિશ્વભરના ૧૯ દેશોમાં ઈથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે અને ભારતમાં પણ હાલમાં E20 ઈંધણને કારણે વાહનોમાં કોઈ ખામી અંગેની અધિકૃત ફરિયાદ મળી નથી.
ગડકરીએ જાહેરાત કરી હતી કે, આવતા મહિને ટોયોટા કંપની દ્વારા ૧૦૦% ઈથેનોલ પર ચાલતી દેશની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ 'ઈનોવા' કાર લોન્ચ કરવામાં આવશે. આ વાહનની વિશેષતા જણાવતા તેમણે કહ્યું હતું કે, આ કાર ૧૦૦% ઈથેનોલ ઈંધણ પર ચાલશે અને સાથે મુસાફરી દરમિયાન ૬૦% વીજળી પણ ઉત્પન્ન કરશે. પેટ્રોલની સરખામણીમાં આ ઈંધણ વાપરવાથી પ્રતિ લીટર અંદાજે રૂ. ૨૫ જેટલો જ ખર્ચ આવશે, જેનાથી પ્રદૂષણ પણ બિલકુલ નહીં થાય.
મકાઈમાંથી ઈથેનોલ બનાવવાથી યુપી-બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો, ટુ-વ્હીલર ટેક્સીથી કરોડો લોકોને રોજગારી મળશે
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે સરકારે મકાઈમાંથી ઈથેનોલ બનાવવાની નીતિ અમલમાં મૂકી છે, જેનાથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડથી વધુનો સીધો આર્થિક લાભ થયો છે. રૂ. ૨૨ લાખ કરોડનો પરંપરાગત ઈંધણનો કારોબાર ધરાવતી કંપનીઓ નીતિઓનો વિરોધ કરે તો પણ સરકાર ખેડૂતોના હિતમાં આ ફેરફારો ચાલુ રાખશે.
આ ઉપરાંત, દેશભરમાં વધતી બાઈક-ટેક્સી સેવાઓ અંગે ગડકરીએ તમામ રાજ્યોના પરિવહન મંત્રીઓને અપીલ કરી હતી કે, ગ્રામીણ અને ગરીબ યુવાનોને આવકનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ટુ-વ્હીલર ટેક્સી નીતિને પ્રોત્સાહન આપવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે, ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર ધરાવતી કોઈપણ ટેક્સી ચલાવી શકે તેવી ફાઈલ પર તેમની સહી બાદ રેપિડો જેવી કંપનીઓના માધ્યમથી બેંગલુરુ સહિત દેશભરમાં ૩.૫ કરોડથી વધુ લોકોને રોજગારીની તકો મળી છે. યોગ્ય પ્રોત્સાહનથી ભારતભરમાં ૧૦ કરોડ લોકોને કોઈ મોટો મૂડીરોકાણ કર્યા વગર રોજગારી પૂરી પાડી શકાય તેમ છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
