<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ક્‍યુબામાં ડીઝલનું એક ટીપું પણ નથી! બે કલાક વીજળી મળે છે

કેરેબિયન દેશ ક્‍યુબા અત્‍યારે તેના ઈતિહાસના સૌથી ખરાબ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે વીજળીના અભાવે ખાવા-પીવાની વસ્‍તુઓ, દવાઓ અને પરિવહન જેવી આવશ્‍યક સેવાઓ ખોરવાઈ ગઈઃ અમેરિકન પ્રતિબંધો અને ઈંધણ નાકેબંધી જવાબદાર

યુબા,તા.૧૪: કેરેબિયન દેશ ક્‍યુબા અત્‍યારે તેના ઈતિહાસના સૌથી ખરાબ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. દેશના ઊર્જા અને ખાણ મંત્રી વિસેન્‍ટ ડે લા ઓ એ જાહેરમાં સ્‍વીકાર્યું છે કે દેશમાં હવે ડીઝલ અને ઓઇલનો જથ્‍થો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. તેમણે જણાવ્‍યું કે દેશની વીજળી વ્‍યવસ્‍થા 'ગંભીર સ્‍થિતિ'માં છે અને સરકાર પાસે હવે કોઈ રિઝર્વ સ્‍ટોક બાકી નથી. હાલમાં ક્‍યુબાનું પાવર ગ્રીડ માત્ર સ્‍થાનિક ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને સૌર ઊર્જાના આધારે માંડ ચાલી રહ્યું છે.

રાજધાની હવાના સહિત દેશના અનેક વિસ્‍તારોમાં સ્‍થિતિ અત્‍યંત ગંભીર બની ગઈ છે. લોકોએ દરરોજ ૨૦થી ૨૨ કલાક સુધી અંધારામાં રહેવું પડે છે. વીજળીના અભાવે ખાવા-પીવાની વસ્‍તુઓ, દવાઓ અને પરિવહન જેવી આવશ્‍યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. ક્‍યુબાએ છેલ્‍લા બે વર્ષમાં ૧૩૦૦ મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા તૈયાર કરી છે, પરંતુ ઈંધણ સંકટ અને પાવર ગ્રીડની અસ્‍થિરતાને કારણે તેનો યોગ્‍ય ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે સામાન્‍ય જનતાની મુશ્‍કેલીઓ બેવડાઈ છે.

ક્‍યુબા સરકાર આ કટોકટી માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ઈંધણ નાકેબંધીને જવાબદાર ગણાવી રહી છે. ખાસ કરીને અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્‍તરે તેલ અને પરિવહનના ભાવ વધ્‍યા છે. જાન્‍યુઆરી ૨૦૨૬થી મેક્‍સિકો અને વેનેઝુએલાએ પણ ક્‍યુબાને ઈંધણ મોકલવાનું બંધ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પના આદેશ બાદ, જે દેશો ક્‍યુબાને ઈંધણ મોકલે છે તેમના પર ટેરિફ લગાવવાની ચેતવણીને કારણે આ દેશોએ હાથ પાછા ખેંચી લીધા છે. ડિસેમ્‍બર પછી માત્ર એક રશિયન ટેન્‍કર 'અનાતોલી કોલોડકિન' જ ક્‍યુબા પહોંચી શક્‍યું હતું.

સંયુક્‍ત રાષ્ટ્ર (UN)એ તાજેતરમાં જ અમેરિકાની આ ઈંધણ નાકેબંધીને ગેરકાનૂની ગણાવી છે. યુએન મુજબ, આ નાકેબંધીને કારણે ક્‍યુબાના લોકોના વિકાસના અધિકાર, શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, પાણી અને સ્‍વચ્‍છતા જેવી પાયાની સુવિધાઓ પર માઠી અસર પડી છે. અંદાજે ૧ કરોડની વસ્‍તી ધરાવતો આ દેશ હાલમાં આંતરરાષ્ટ્રીય મદદની આશા રાખી રહ્યો છે, કારણ કે ઊર્જા મંત્રીએ સ્‍પષ્ટ કર્યું છે કે ક્‍યુબા કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવા તૈયાર છે જે તેમને ઈંધણ વેચવા માંગતા હોય.

(3:06 PM IST)