<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગર્લફ્રેન્‍ડ બનાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ સંબંધના નામે યુવતીનો ગેરલાભ ઉઠાવવો યોગ્‍ય નથી

ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે યુવાનોને પ્રેમસંબંધો અને લગ્ન અંગે મહત્ત્વપૂર્ણ સલાહ આપી

લખનૌ તા.૨૩: ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે યુવાનોને પ્રેમસંબંધો અને લગ્ન અંગે મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. લખનૌની મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્‍ફોર્મેશન ટેક્રોલોજીના સાતમા દીક્ષાંત સમારોહમાં તેમણે જણાવ્‍યું હતું કે ગર્લફ્રેન્‍ડ બનાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ સંબંધના નામે યુવતીનો ગેરલાભ ઉઠાવવો યોગ્‍ય નથી. તેમના આ નિવેદનની ચર્ચા થઈ રહી છે.

દીક્ષાંત સમારોહ દરમિયાન આનંદીબેન પટેલે યુવાનોને પ્રેમસંબંધો પ્રત્‍યે ગંભીર બનવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે કોઈ યુવતી સાથે સંબંધ બાંધ્‍યા બાદ તેને મુશ્‍કેલીમાં મૂકીને છોડી દેવી યોગ્‍ય બાબત નથી. સંબંધોમાં પરસ્‍પર સન્‍માન, વિશ્વાસ અને જવાબદારી હોવી જરૂરી છે. તેમણે યુવકોને લગ્ન અને પારિવારિક જવાબદારીઓ પ્રત્‍યે પણ સજાગ રહેવાનો સંદેશ આપ્‍યો હતો.

આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં ૧૩થી ૧૪ વર્ષની કિશોરીઓના માતૃત્‍વ અંગે ચિતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે કહ્યું હતું કે નાની ઉંમરે માતા બન્‍યા બાદ યુવતીને એકલી છોડી દેવાની માનસિકતા ગંભીર સમસ્‍યા છે. યુવાનોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે તેના પરિણામો અને ભવિષ્‍ય વિશે વિચારવું જોઈએ.

રાજ્‍યપાલે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂર્ણ કરીને આર્થિક રીતે આત્‍મનિર્ભર (Self Reliance) બનવા પર ભાર મૂક્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે જીવનમાં પરિવારની જવાબદારી સ્‍વીકારતા પહેલાં પોતાના પગ પર ઊભા થવું જરૂરી છે. યુવાનોએ સમજદારી અને પરિપક્‍વતા સાથે જીવનના નિર્ણયો લેવા જોઈએ.

મહર્ષિ યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં કુલ ૨,૨૭૯ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્‍લોમા એનાયત કરવામાં આવ્‍યા હતા. તેમાં ૨૦ સંશોધકોને PhD, ૩૨૪ વિદ્યાર્થીઓને પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન, ૧,૬૧૨ વિદ્યાર્થીઓને ગ્રેજ્‍યુએશન અને ૩૨૩ વિદ્યાર્થીઓને ડિપ્‍લોમા આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ઉચ્‍ચ શિક્ષણમંત્રી યોગેન્‍દ્ર ઉપાધ્‍યાય પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રાજ્‍યપાલે યુવાનોને શિક્ષણ સાથે જીવનમૂલ્‍યો અને સામાજિક જવાબદારીનું મહત્ત્વ સમજાવ્‍યું હતું.

(10:11 AM IST)