News of Thursday, 9th July 2026
દુશ્મનોના કેમ્પમાં મચશે હાહાકાર: ભારતીય સેના ખરીદશે ઘાતક 'વન-વે એટેક ડ્રોન', ₹૧૫૦૦ કરોડના મેગા પ્રોજેક્ટમાં બાજી મારી ટાટા સૌથી ટોચે!
રશિયા-યુક્રેન યુદ્ધ જેવા આધુનિક હથિયારોથી સજ્જ થશે દેશની સરહદો: છ મહિનામાં સપ્લાય શરૂ, જામિંગ-સ્પૂફિંગને પણ માત આપીને સરહદ પાર દુશ્મનોની તોપોને ફૂંકી મારશે આ સ્માર્ટ ડ્રોન

નવી દિલ્હી, તા.૦૯: આધુનિક યુદ્ધની રણનીતિમાં ટેકનોલોજીનો વ્યાપ વધારતા ભારતીય સેનાએ સરહદોની સુરક્ષા અને દુશ્મનો પર કાળ બનીને તૂટી પડવા માટે એક અત્યંત મોટું અને મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ સેંકડોની સંખ્યામાં 'વન-વે એટેક ડ્રોન' (જેને આત્મઘાતી ડ્રોન અથવા લોઇટરિંગ દારૂગોળો પણ કહેવામાં આવે છે) ખરીદવાની પ્રક્રિયાને અતિશય વેગ આપ્યો છે. આશરે ₹૧૫૦૦ કરોડના આ હાઈ-પ્રોફાઈલ સંરક્ષણ કોન્ટ્રાક્ટ માટે દેશની દિગ્ગજ કંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સૌથી ઓછી બોલી (L1 લૉએસ્ટ બિડર) લગાવનાર કંપની તરીકે ઉભરી આવી છે. સંરક્ષણ મંત્રાલયની 'ફાસ્ટ-ટ્રેક' ખરીદી પ્રક્રિયા હેઠળ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર માનવામાં આવે છે, જે અંતર્ગત કરાર પર હસ્તાક્ષર થયાના માત્ર છ મહિનાની અંદર જ સેનાને ડ્રોનની ડિલિવરી મળવાનું શરૂ થઈ જશે.
સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કડક આર્મી ટ્રાયલ્સ, આકરી ભૌગોલિક પરિસ્થિતિઓમાં પરીક્ષણ અને ટેકનિકલ મૂલ્યાંકન પછી કમર્શિયલ બિડ ખોલવામાં આવી હતી. આ રેસમાં ટાટા મોખરે રહી છે, જ્યારે બીજા ક્રમે 'નાઈબ ડિફેન્સ' (Nibe Defense) કંપની આવી છે. કરારની વિશેષ શરતો મુજબ આ આખો સોદો બંને કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવશે. જેમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ કુલ ઓર્ડરનો સિંહફાળો એટલે કે ૬૪% ડ્રોન સપ્લાય કરશે, જ્યારે બાકીનો ૨૬% હિસ્સો નાઈબ ડિફેન્સના ખાતામાં જશે. આ ડીલ અંતર્ગત ભારતીય સેનાને તાત્કાલિક ઉપયોગ માટે કુલ ૮૫૦ અત્યાધુનિક ડ્રોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આધુનિક યુદ્ધના ખતરનાક ઘટક: કેમ ખાસ છે આ ડ્રોન?
તાજેતરમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના સંઘર્ષમાં વન-વે એટેક ડ્રોન્સે આખી દુનિયામાં વ્યાપક તબાહી મચાવીને પોતાની તાકાત સાબિત કરી છે. ભારત દ્વારા ખરીદવામાં આવી રહેલી આ ઓછી કિંમતની સિસ્ટમ્સ એટલી સ્માર્ટ છે કે દુશ્મનના કોઈપણ ઇલેક્ટ્રોનિક જામિંગ કે સ્પૂફિંગ (સિગ્નલ ખોરવવાની પ્રવૃત્તિ) તેના પર અસર કરી શકશે નહીં. સેનાએ પોતાના ખાસ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન શીખેલા પાઠ અને અનુભવોને આધારે આ ડ્રોનને ખાસ ડિઝાઇન કરાવ્યા છે, જે સરહદની પેલે પાર છુપાયેલી દુશ્મનોની આર્ટિલરી (તોપખાના) અને સૈન્ય ચોકીઓને સચોટ નિશાન બનાવીને તોડી પાડવા સક્ષમ છે.
ભારતીય સેના માટે હાલમાં ૮૫૦ ડ્રોનની પ્રારંભિક ખરીદી પર મહોર મારવામાં આવી છે, પરંતુ ભવિષ્યની સુરક્ષા જરૂરિયાતોને જોતાં સેનાને આવા હજારો ડ્રોનની જરૂર છે, જેથી આગામી મહિનાઓમાં વધુ મોટા ઓર્ડરની અપેક્ષા છે. રક્ષા મંત્રાલય હાલમાં ૧૫૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી લાંબી મજલ કાપીને દુશ્મનના કાળજા ચીરી નાખે તેવા અત્યંત શક્તિશાળી ડ્રોન ખરીદવાની પ્રક્રિયા પર પણ કામ કરી રહ્યું છે. જોકે, ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ સમયમર્યાદાના નિયમો ખૂબ જ કડક હોવાથી અને વિલંબ બદલ ભારે દંડની જોગવાઈ હોવાના કારણે, હવે દેશના સંરક્ષણ પ્રેમીઓ અને સૈન્ય વડાઓની નજર ટાટા અને નાઈબ કંપનીની ડિલિવરી સ્પીડ પર રહેશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
