News of Sunday, 20th September 2026
મિડલ ઈસ્ટની યાત્રા કરતા પહેલાં બે વાર વિચારજો: અમેરિકાની કડક ટ્રાવેલ એડવાઈઝરીથી ખળભળાટ
મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ નાગરિકો માટે ચેતવણી જારી કરી છે.

વોશિંગ્ટન : મિડલ ઈસ્ટમાં સતત વકરી રહેલા સંઘર્ષ અને ગંભીર સુરક્ષા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા પોતાના નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે મધ્ય પૂર્વની વર્તમાન સુરક્ષા સ્થિતિ અત્યંત જટિલ છે અને તે કોઈપણ ક્ષણ ઝડપથી બગડી શકે છે, જેના કારણે સંઘર્ષ વધતા ફ્લાઈટ્સ રદ થવી, એર સ્પેસ બંધ થવી અને મુસાફરી દરમિયાન અચાનક ગંભીર મુશ્કેલીઓ ઊભી થવાની પૂરી શક્યતા રહેલી છે.
આ વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરી રહેલા અમેરિકન નાગરિકોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે તેઓ યાત્રા કરતા પહેલાં સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરે અને એરપોર્ટ તથા એરલાઈન્સ તરફથી મળતા તાજા અપડેટ્સ પર સતત નજર રાખે. હુથી સમૂહ દ્વારા સાઉદી અરેબિયા વિરુદ્ધ કરવામાં આવી રહેલી સૈન્ય ગતિવિધિઓ અને મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાની સંભાવનાને કારણે સમગ્ર વિસ્તારની સુરક્ષા સ્થિતિ વધુ જોખમી બની ગઈ છે, જેથી સામાન્ય મુસાફરી વ્યવસ્થા ગમે ત્યારે ખોરવાઈ શકે છે.
અમેરિકાએ પોતાની આ એડવાઈઝરીમાં ઈરાન અને તેના સમર્થક જૂથોની પ્રવૃત્તિઓનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો છે, જે વિદેશોમાં અમેરિકન હિતો, નાગરિકો અને સંસ્થાઓ સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવી શકે છે. આ ગંભીર ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે મિડલ ઈસ્ટમાં પહેલેથી જ સૈન્ય અને રાજદ્વારી તણાવ ચરમસીમા પર છે, અને તેના કારણે મુસાફરોએ પ્રવાસના નિર્ણયો લેતા પહેલાં સત્તાવાર સુરક્ષા માહિતી ચકાસવી અનિવાર્ય બની ગઈ છે.
આ પ્રકારે મધ્ય પૂર્વમાં ઊભા થયેલા નવા સુરક્ષા પડકારો અને અચાનક થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરોએ પોતાના ટ્રાવેલ પ્લાન અંગે ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવો પડશે, જેથી સંભવિત જોખમો અને કટોકટીની પરિસ્થિતિથી સુરક્ષિત રહી શકાય.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
