News of Wednesday, 28th October 2026
આને કહેવાય કિસ્મત! રૂ.૨૦૦ના લકી ડ્રોમાં ૬ વર્ષના બાળકનું ચમક્યું નસીબ, ઇનામમાં મળી ફોર્ચ્યુનર કાર
ગરબા કાર્યક્રમ દરમિયાન ખરીદેલા લકી ડ્રોના કૂપને એક પરિવારની ખુશી બમણી કરી દીધી

બુરહાનપુર,તા.૨૮: કહેવાય છે ને કે, નસીબ ક્યારે અને કેવી રીતે ચમકી જાય તે કોઈ જાણતું નથી. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવો જ એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગરબા કાર્યક્રમ દરમિયાન ખરીદેલા લકી ડ્રોના કૂપને એક પરિવારની ખુશી બમણી કરી દીધી. છ વર્ષના મેદાંશ રાયકવારના નામે ફોર્ચ્યુનર કારનું પ્રથમ ઇનામ નીકળ્યું હતું. આ સમાચાર મળતાં જ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને આસપાસના લોકોએ પણ ઉજવણી કરી હતી.
બુરહાનપુરના સીલમપુરા વિસ્તારના રહેવાસી મેદાંશ રાયકવારને શ્રી સરકાર ધામ આભાપુરીના લકી ડ્રોમાં પ્રથમ ઇનામ તરીકે ફોર્ચ્યુનર કાર મળી છે. મેદાંશની દાદી કિરણ રાયકવારે જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલાં તેઓ આભાપુરી ધામમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા ગયાં હતાં. આ દરમિયાન તેમણે લકી ડ્રોનું એક કૂપન ખરીદ્યું હતું અને તેના પર પોતાના છ વર્ષના પૌત્ર મેદાંશનું નામ લખ્યું હતું.
તે સમયે તેમને અંદાજ પણ નહોતો કે આ કૂપન પરિવાર માટે આટલી મોટી ખુશી લઈને આવશે. લકી ડ્રોમાં મેદાંશનું નામ નીકળ્યું હોવાની જાણ થતાં જ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ફોર્ચ્યુનર કાર મળ્યા બાદ મેદાંશનું ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કારની પૂજા-અર્ચના કરવામાં આવી અને ભગવાનના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરિવારના સભ્યો અને વિસ્તારના લોકોએ મેદાંશને અભિનંદન પાઠવ્યાં હતાં.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
