તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
"શોલે"ના જય-વીરુને ભૂલાવે તેવી હતી આ સિંહની જોડી : માલણકાથી લિમદ્રા સુધી કર્યું હતું શાસન : જય-વીરુનો અમર વારસો : તે ગીરનું સાચું ગૌરવ હતા, અમે તેમને અમર બનાવવા માંગીએ છીએ": સાંસદ પરિમલભાઈ નથવાણી : ગીરના ગૌરવને અમર શ્રદ્ધાંજલિ: સાંસદના હસ્તે સાસણ ગીરમાં આઇકોનિક સિંહ બેલડી 'જય-વીરુ'ના સન્માનમાં ભવ્ય બેકલાઇટ બોર્ડનું અનાવરણ : જુઓ વિડીયો
સાસણ ગીરના સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે યોજાયો ભાવનાત્મક સમારોહ : વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત : "જય-વીરુની અમર ગાથા" નામની સંવેદનાત્મક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : ગીર જંગલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી સૌથી સુપ્રસિદ્ધ અને પ્રિય સિંહ બેલડી 'જય-વીરુ'ને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી આજે સાસણ ગીર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો. જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે જય-વીરુના ભવ્ય ચિત્રો સાથેના બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું. આ બોર્ડ શ્રી નથવાણી દ્વારા તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતી આ દંતકથારૂપ સિંહ જોડીને અર્પણ કરાયેલી હૃદયપૂર્વકની અંજલિ છે. આ પ્રસંગે વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અનાવરણ બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું કે "અમારો ઉદ્દેશ એ છે કે સાસણ ગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી, વિદ્યાર્થી અને વન્યજીવન પ્રેમી જય-વીરુના શૌર્ય અને વારસાને નજીકથી જાણે અને સમજે. તે બંને ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર, ભવ્ય, શક્તિશાળી અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં ગણાતા હતા. તેઓ માત્ર સિંહ ન હતા, તેઓ ગીરનું સાચું ગૌરવ અને ઓળખ હતા. આ સ્મૃતિ બોર્ડ દ્વારા અમે તેમના વારસાને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કર્યો છે."
શ્રી નથવાણીએ આ તકે પોતાની અંગત લાગણીઓ પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વન વિભાગના અધિકારીઓ સાથે મળીને તેઓ આ સિંહજોડીના 'જય' અને 'વીરુ' નામકરણમાં પણ સક્રિય રીતે સામેલ હતા. આ કારણોસર આ શ્રદ્ધાંજલિ તેમના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ભાવનાત્મક અને મહત્વની બની રહે છે.
ગીરના વન્યજીવ પ્રેમીઓ માટે જય અને વીરુ માત્ર બે સિંહ ન હતા. ગત વર્ષે 7 ઓગસ્ટ, 2025ના રોજ અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ આ બંનેનું દુઃખદ અવસાન થયું હતું. તેમના ગયા બાદ તુરત જ શ્રી નથવાણીએ "જય-વીરુની જોડી" નામનું ભાવનાત્મક લોક-શૈલીનું ગીત અને "જય-વીરુની અમર ગાથા" નામની સંવેદનાત્મક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગીરના અનુભવી ટ્રેકર્સ અને વનકર્મીઓના જણાવ્યા મુજબ, બોલિવૂડની યાદગાર ફિલ્મ 'શોલે'ના કાલ્પનિક પાત્રો જય-વીરુ કરતા પણ આ વાસ્તવિક જોડીનો સંગાથ વધુ પ્રેરણાદાયી હતો. ક્યારેક નાના-મોટા ઝઘડા અને સંઘર્ષો વચ્ચે પણ આ બંનેનું બંધન ક્યારેય તૂટ્યું ન હતું. તેમણે સંયુક્ત રીતે માલણકા, કેનેડીપુર, નતાડિયા, ઇટાડી અને લિમદ્રા જેવા વિશાળ વિસ્તારો પર વર્ષો સુધી શાસન કર્યું હતું. તેમના દરેક સાહસની વાર્તાઓ આજે પણ ગીરના ગામોમાં કહેવાય છે.
હવે સાસણ ગીરમાં લગાવાયેલ આ બેકલાઇટ બોર્ડ ભવિષ્યમાં આવનારી પેઢીઓને અને પ્રવાસીઓને જય-વીરુની શૌર્યગાથા, એકતા અને અમર પ્રેમની વાર્તા કહેતું રહેશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
