News of Tuesday, 28th July 2026
દિલ્હીમાં પોલીસ પર હુમલો કરનારા નીકળ્યા રીઢા ગુનેગારો! પ્રદર્શનમાં હાજર હતા મર્ડર, દુષ્કર્મ અને લૂંટના આરોપીઓ
દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલાની તપાસમાં મોટા ખુલાસા : ૧૦૦ સીસીટીવી અને વાયરલ વીડિયોના વિશ્લેષણ બાદ ૨,૮૭૩ લોકોની ઓળખઃ જ્યારે ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડઃ તપાસમાં હત્યા, દુષ્કર્મ, લૂંટ, NDPS અને Arms Act જેવા ગંભીર કેસોનો પણ ઉલ્લેખ

નવી દિલ્હી,તા.૨૮: દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાની તપાસમાં અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. તપાસ એજન્સીઓએ ઘટનાસ્થળ સાથે જોડાયેલા કુલ ૧૦૦ વીડિયોનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિશ્લેષણના આધારે કુલ ૨,૮૭૩ લોકોની ઓળખ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આમાંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલો છે.
તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આ ડિજિટલ પુરાવાના આધારે વિરોધ સ્થળોએ હાજર રહેલા લોકોની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ તેમના ગુનાહિત રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તપાસ મુજબ, ઓળખાયેલા ૨,૮૭૩ લોકોમાંથી ૯૮૯ લોકો સામે અગાઉથી હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, દુષ્કર્મ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ, આર્મ્સ એક્ટ (Arms Act), અપહરણ, છીનવી લેવાના ગુનાઓ અને NDPS એક્ટ (NDPS Act) હેઠળના કેસ નોંધાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન સામે આવેલા આંકડાઓ મુજબ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિરોધ પ્રદર્શનમાં હાજર હતા. માહિતી અનુસાર
૧૦૧ લોકો સામે હત્યાના કેસ નોંધાયેલા છે.
૬૨ લોકો પર હત્યાના પ્રયાસના આરોપ છે.
૨૮૪ લોકો લૂંટના કેસોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
૬૧ લોકો સામે દુષ્કર્મના કેસ નોંધાયેલા છે.
૬ લોકો સામે POCSO Act હેઠળ કેસ નોંધાયેલા છે.
૨૫ લોકો મહિલાઓની છેડતી અને અન્ય ગુનાઓમાં આરોપી હોવાનું કહેવાય છે.
૨૨૯ લોકો સામે Arms Act હેઠળ કેસ નોંધાયેલા છે.
૧૩૫ લોકો Snatchingના કેસોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
૧૯ લોકો સામે અપહરણના કેસ છે.
૬૭ લોકો સામે NDPS Act હેઠળ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.
તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે ઓળખાયેલા ઘણા લોકો માત્ર એક જ નહીં પરંતુ અનેક ગુનાહિત કેસોમાં સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. રિપોર્ટ અનુસાર આવા ઘણા લોકો રીઢા અને વારંવાર ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. હત્યાના ૧૦૧ કેસોમાં સંડોવાયેલા લોકોમાંથી ૪૨ લોકો સામે ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ૧૨ લોકો સામે ૧૦ કે તેથી વધુ કેસ નોંધાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે જ રીતે હત્યાના પ્રયાસના ૬૨ આરોપીઓમાંથી ૨૫ લોકો, જ્યારે લૂંટના ૨૮૪ આરોપીઓમાંથી ૧૫૫ લોકો સામે ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. આમાંથી ૩૧ લોકો સામે ૧૦થી વધુ કેસ નોંધાયેલા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
તપાસ મુજબ, દુષ્કર્મના ૬૧ કેસોમાં સંડોવાયેલા ૮ લોકો સામે ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. મહિલાઓની છેડતીના ૨૫ કેસોમાંથી ૬ આરોપીઓ સામે અનેક કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. ઉપરાંત NDPS Act હેઠળના ૬૭ કેસોમાં સંડોવાયેલા ૯ લોકો સામે પણ ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર વિશ્લેષણ પોલીસ પર થયેલા હુમલા, ઉપલબ્ધ ૧૦૦ CCTV અને વાયરલ વીડિયો, ઓળખાયેલા લોકો તથા તેમના ગુનાહિત રેકોર્ડના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિરોધ સ્થળોની આસપાસ મોટી સંખ્યામાં એવા લોકો પણ હાજર હતા, જેમનો અગાઉથી ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે અને અંતિમ તપાસ અહેવાલ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
