<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

મુંબઈ-અમદાવાદ હાઈવે પર હજારો લિટર દૂધની નદીઓ વહી! ટેન્કર પલટાતા દૂધ લૂંટવા લોકોની ભારે પડાપડી; બે કલાક સુધી ચક્કાજામ

ગુજરાતથી વિરાર જતું દૂધનું ટેન્કર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું: તપેલાં, ડ્રમ અને બોટલો લઈને દૂધ ભરવા દોડી આવ્યા ગ્રામજનો, સદનસીબે જાનહાનિ ટળી

પાલઘર, તા.૨૨: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અને અનોખી દુર્ઘટના સામે આવી છે. ગુજરાત તરફથી હજારો લિટર દૂધ ભરીને વિરાર જઈ રહેલું એક વિશાળ ટેન્કર પાલઘરના તાવા નજીક અચાનક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ ડિવાઈડર સાથે જોરદાર અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે ટેન્કર લેન ક્રોસ કરીને રસ્તા વચ્ચે પલટી મારી ગયું હતું, જેને કારણે સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં મોટું ગાબડું પડતાં હજારો લિટર દૂધ હાઈવે પર રેલાઈ ગયું હતું.

 

દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ આસપાસના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રસ્તા પર દૂધની નદીઓ વહેતી જોઈને લોકો પોતાના ઘરોમાંથી તપેલાં, પ્લાસ્ટિકના ડ્રમ, કેન અને બોટલો લઈને મુક્તપણે વહેતું દૂધ એકત્ર કરવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દૂધ ભરવા માટે લોકો વચ્ચે ભારે પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા.

 

હાઈવે પર બે કલાક સુધી વાહનોની લાંબી કતારો

 

રસ્તાની વચ્ચે જ ટેન્કર પલટી ગયું હોવાથી અને દૂધ એકઠું કરવા માટે ઉમટી પડેલી લોકોની ભારે ભીડને કારણે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. લગભગ બે કલાક સુધી હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી.

 

સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને માંડ માંડ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ગયેલા ટેન્કરને રસ્તા પરથી બાજુ પર ખસેડવામાં આવ્યું હતું અને હાઈવે ક્લિયર કરીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત શરૂ કરાવ્યો હતો.

 

(5:26 PM IST)