News of Wednesday, 18th November 2026
હોટલમાં રોકાયેલા પ્રેમી યુગલને ધમકી :યુવકની બેગમાં ગાંજો મૂકી ફસાવવાની ધમકી આપનારા ASP સહિત 6 પોલીસકર્મી સસ્પેન્ડ
મધ્યપ્રદેશના સિવનીમાં હોટલમાં રોકાયેલા પુખ્ત વયના પ્રેમી યુગલને પરિવારને બોલાવવા દબાણ કરી યુવકની બેગમાં ગાંજો મૂકી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતો વીડિયો વાયરલ: મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહી કરી

મધ્યપ્રદેશના સિવનીમાં અધિક પોલીસ અધિક્ષક (ASP) એ અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં એક સ્થાનિક હોટલમાં હાજર પુખ્ત વયના પ્રેમી યુગલને ગાંજાની હેરાફેરીના કેસમાં ફસાવવાની કથિત રીતે ધમકી આપી, જેના બાદ મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે બે અધિકારીઓ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હોટલમાં રોકાયેલા પુખ્ત વયના પ્રેમી યુગલને લઈને પોલીસ અને હોટલ સંચાલક વચ્ચે વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે આરોપ છે કે યુવતી પર તેના પરિવારને બોલાવવા માટે દબાણ બનાવવામાં આવ્યું અને જ્યારે તેણે આવું કરવાનો ઇનકાર કર્યો, ત્યારે યુવકની બેગમાં ગાંજો મૂકીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી
આ સમગ્ર વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ જ્યારે પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠવા લાગ્યા, ત્યારે પોલીસ મહાનિર્દેશક કૈલાશ મકવાણાએ મુખ્યમંત્રી પાસે એએસપી દીપક મિશ્રા અને અનુવિભાગીય પોલીસ અધિકારી (SDOP) ચંચલેશ મરકામના સસ્પેન્શનનો પ્રસ્તાવ મોકલ્યો.
મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા કહ્યું કે પોલીસની વર્દીમાં અનુશાસનહીનતા અને ગેરવર્તણૂક કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને પોલીસ દળમાં અનુશાસન, જવાબદારી તથા કર્તવ્યનિષ્ઠા સર્વોપરી છે. તેમણે સોશિયલ મીડિયા ‘એક્સ’ (X) પર એક પોસ્ટમાં કહ્યું, “સિવનીના વાયરલ વીડિયો પ્રકરણમાં પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ આચરણ સામે આવતા ASP, SDOP સહિત 6 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને પ્રકરણની નિષ્પક્ષ તથા વિસ્તૃત તપાસના નિર્દેશ આપ્યા છે.”
સીએમએ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનારા દરેક અધિકારી-કર્મચારી પાસેથી જવાબદારી, મર્યાદા અને અનુશાસન સાથે ફરજો નિભાવવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, “ગેરવર્તણૂકને બિલકુલ સાંખી ન લેવાની નીતિ હેઠળ દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.”
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
