News of Sunday, 8th November 2026
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી બનીને મુસાફરોને ધમકાવીને ખંડણી વસૂલતા ત્રણ ઠગ ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ઉડાનોથી આવતા મુસાફરોને પ્રતિબંધિત સામાન અને દંડની ધમકી આપીને લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યા.

મુંબઈ : મુંબઈ પોલીસે એરપોર્ટ પર કસ્ટમ અને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સના ખોટા અધિકારી બનીને મુસાફરો પાસેથી નાણાં પડાવનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ અંધેરી પશ્ચિમના રહેવાસી મોહમ્મદ જોહૈબ ઉસ્માન બલોચ અને મલાડ પશ્ચિમના રહેવાસી ઝૈદ નદીમ શેખ તથા સાલિયા સાઈદ અહમદ કુરેશી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મોહમ્મદ જોહૈબ ઉસ્માન બલોચ ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે, ઝૈદ નદીમ શેખ એક કોલ સેન્ટરમાં નોકરી કરે છે અને સાલિયા સાઈદ અહમદ કુરેશી ટિફિન સર્વિસ ચલાવે છે. આ ત્રણેય આરોપીઓ વિદેશથી આવતા મુસાફરોને નિશાન બનાવતા હતા.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ત્રણેય આરોપીઓએ શુક્રવારે બેંગકોકથી મુંબઈ આવેલા મુમ્બ્રાના રહેવાસી અમાન હસન મિર્ઝાને રોક્યા. આરોપીઓએ પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપીને અમાન હસન મિર્ઝાનો કોલર પકડી લીધો અને તેમનો પાસપોર્ટ તથા મોબાઈલ ફોન છીનવી લીધો. તેઓ મુસાફરના સામાનમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ હોવાનું કહીને દંડ ભરવાની માંગ કરવા લાગ્યા. આરોપીઓ મુસાફરને બળજબરીથી પાર્કિંગ વિસ્તાર તરફ લઈ જઈ રહ્યા હતા.
આ દરમિયાન એક ટ્રાફિક પોલીસકર્મીની નજર આ શંકાસ્પદ હિલચાલ પર પડી અને તેણે તાત્કાલિક વચ્ચે પડીને તેમને રોકી લીધા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડરાવીને તેમની પાસેથી દંડના નામે લાખો રૂપિયા પડાવતા હતા. જો કોઈ મુસાફર પાસે નવો ઈલેક્ટ્રોનિક સામાન હોય તો તેઓ તેને ધમકાવતા હતા.
મુંબઈ પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ અત્યાર સુધીમાં અન્ય કેટલા મુસાફરોને ઠગ્યા છે. પોલીસ એ પણ શોધી રહી છે કે તેઓ કેટલા સમયથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા અને તેમની સાથે અન્ય કોઈ સાથીદારો પણ સામેલ છે કે કેમ.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
