News of Wednesday, 6th May 2026
પ્રેમિકાને વશમાં કરવા ત્રણ યુવકોએ સ્મશાનમાંથી સળગતી ચિતામાંથી ખોપડી ચોરી
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક રૂવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી

હાપુડ તા.૬: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક રુંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે, જ્યાં અંધવિશ્વાસની જાળમાં ફસાયેલા અમુક યુવકોએ એક સળગતી ચિતામાંથી માનવ ખોપડી ચોરી લીધી. હાપુડ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જે બાદ આ સમગ્ર સનસનીખેજ કાવતરાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે આરોપીઓની કરતૂત રસ્તામાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
હાપુડ દેહાત વિસ્તારમાંથી એક સ્મશાન ઘાટમાંથી લાશના અવશેષ, ખાસ કરીને માનવ ખોપડી ચોરી કરવાના મામલામાં એક સીસીટીવીની મદદથી પોલીસના ધ્યાને આવ્યું. આ સંબંધમાં પોલીસે કાર્યવાહી કરતા કેસ નોંધી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, શ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર દરમ્યાન અમુક યુવકો સળગતી ચિતામાંથી માનવ ખોપડી અને અવશેષ લઈને ભાગી ગયા હતા. પોલીસે જ્યારે તપાસ શરુ કરી તો સીસીટીવી ફુટેજમાં આરોપીઓની ઓળખ થઈ. ફુટેજમાં સ્પષ્ટ થયું કે કઈ રીતે આરોપી આ અમાનવીય કૃત્યને અંજામ આપી ઘટનાસ્થળેથી ભાગી રહ્યા હતા. આ સગડના આધારે પોલીસે ઘેરાબંધી કરી આરોપીને દબોચી લીધા. પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપી અમન પોતાની પ્રેમિકા અને પોતાના માતા-પિતાને પોતાના વશમાં કરવા માગતો હતો. તેના માટે તેણે એક તથાકથિત તાંત્રિક અવધેશ શર્માનો સંપર્ક કર્યો, જેણે તેને સળગતી ચિતામાંથી ખોપડી લાવવાની સલાહ આપી હતી. આરોપી અયાન પણ આવી જ રીતે તાંત્રિક ક્રિયા દ્વારા પોતાની માતાને વશમાં કરવાની કોશિશ કરતો હતો.
પોલીસે જ્યારે આરોપીઓના ઠેકાણા પર રેડ પાડી તો ત્યાંનો નજારો જોઈ અધિકારી પણ ચોંકી ગયા. આરોપીઓ પાસેથી વિવિધ મહિલા અને પુરુષોના લગભગ ૫૦થી વધારે ફોટોગ્રાફ જપ્ત થયા છે. જેના પર તંત્ર-મંત્રની ક્રિયાઓ થઈ રહી હતી. આ ઉપરાંત પોલીસે ચિતાની રાખ, અવશેષ અને ભારે માત્રામાં તાંત્રિક પૂજન સામગ્રી પણ જપ્ત કરી છે.
ડીએસપી વરુણ મિશ્રાએ આ ગંભીર કેસની જાણકારી આપતા જણાવ્યું કે, હાપુડ દેહાંત વિસ્તારમાંથી એક સ્મશાન ઘાટમાંથી લાશના અવશેષ ખાસ કરીને માનવ ખોપડી ચોરી કરવાનો કેસ સામે આવ્યો હતો. આ સંબંધમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કેસ નોંધી, ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
