News of Thursday, 16th April 2026
ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2026ની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદી જાહેર : ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ સ્થાન પામ્યા : વડાપ્રધાન મોદી યાદીમાંથી ગાયબ!
ગૂગલના સુંદર પિચાઈ, અભિનેતા રણબીર કપૂર અને શેફ વિકાસ ખન્નાએ મેળવ્યું સ્થાન, જ્યારે નેપાળ અને બાંગ્લાદેશના વડાપ્રધાનો પણ વિશ્વના શક્તિશાળી લોકોમાં ચમક્યા

નવી દિલ્હી:વિશ્વના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2026 માટેની 'TIME-100' યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં વૈશ્વિક સ્તરે રાજકારણ, ટેકનોલોજી, કલા અને સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવનારા 100 પ્રભાવશાળી લોકોના નામ જાહેર કરાયા છે. આ વર્ષની યાદીમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવા દિગ્ગજ નેતાઓએ સ્થાન મેળવ્યું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં સામેલ નથી.
ભારતીય પ્રતિભાઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજ:
વડાપ્રધાન મોદીની ગેરહાજરી છતાં ત્રણ ભારતીય હસ્તીઓએ આ યાદીમાં સ્થાન મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે. ટેક જગતના દિગ્ગજ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને AI ક્ષેત્રે તેમના નેતૃત્વ માટે સ્થાન મળ્યું છે. મનોરંજન જગતમાંથી અભિનેતા રણબીર કપૂરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, જ્યારે જાણીતા શેફ વિકાસ ખન્નાને ભારતીય ભોજનને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવવા બદલ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાજકીય નેતાઓ અને વિશ્વના અગ્રણીઓ:
યાદીમાં સામેલ વિશ્વ નેતાઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ (યુએસ પ્રમુખ), શી જિનપિંગ (ચીનના રાષ્ટ્રપતિ), બેન્જામિન નેતન્યાહૂ (ઇઝરાયેલી વડાપ્રધાન), પોપ લીઓ XIV (કેથોલિક ચર્ચના વડા), માર્ક કાર્ને (કેનેડાના વડાપ્રધાન), ક્લાઉડિયા શેનબૌમ (મેક્સિકોના પ્રમુખ), સનાઇ તાકાઇચી (જાપાનના વડાપ્રધાન), બાલેન્દ્ર શાહ (નેપાળના વડાપ્રધાન), તારિક રહેમાન (બાંગ્લાદેશના વડાપ્રધાન), માર્કો રુબિયો (યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ), ગેવિન ન્યૂસમ (કેલિફોર્નિયાના ગવર્નર), ઝોહરાન મામદાની (ન્યૂ યોર્કના મેયર), સુસી વિલ્સ (વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ), નેટુમ્બો નંદી-એન્ડાટવા (નામિબિયાના નેતા), રાફેલ મારિયાનો ગ્રોસી (IAEA ના ડિરેક્ટર જનરલ), હેના વિર્કકુનેન (યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ), જેકબ ફ્રે (મિનિયાપોલિસના મેયર), જનરલ ડેન કેન (યુએસ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ), સ્ટીવ વિટકોફ (યુએસ ખાસ દૂત) અને માર્ક કેલી (યુએસ સેનેટર) નો સમાવેશ થાય છે.
ટેકનોલોજી અને ઉદ્યોગ જગતના માંધાતાઓ:
આ ક્ષેત્રમાં સુંદર પિચાઈ ઉપરાંત નીલ મોહન (યુટ્યુબના સીઈઓ), ગ્વિન શોટવેલ (સ્પેસએક્સના સીઓઓ), ડારિયો અમોડેઈ અને ડેનિએલા અમોડેઈ (એન્થ્રોપિક), માઈકલ ડેલ અને સુસાન ડેર (ડેલ), મિસ્ટર બીસ્ટ (કન્ટેન્ટ ક્રિએટર), સીસી વેઈ (ટીએસએમસીના સીઈઓ), જેરેમી અલાયર (સર્કલના સીઈઓ), સારાહ ફ્રિયર (ઓપન એઆઈના સીએફઓ), જોન ફર્નર (વોલમાર્ટ અમેરિકાના સીઈઓ), જોશ ડી'અમારો (ડિઝની પાર્ક્સના ચેરમેન), ડેવિડ એલિસન (સ્કાયડાન્સ મીડિયા), એલિકો ડાંગોટ (ઉદ્યોગસાહસિક), લિપ-બૂ ચાન (ટેક ઇન્વેસ્ટર) અને ફાતિહ બિરોલ (IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) એ પોતાની જગ્યા બનાવી છે.
કલા અને મનોરંજન ક્ષેત્રના સિતારા:
કલા જગતમાંથી રણબીર કપૂર સાથે ઝો સલ્ડાના, બેનિસિયો ડેલ ટોરો, એથન હોક, કેટ હડસન, ડાકોટા જોહ્ન્સન, ક્લેર ડેન્સ, કેક પામર, સ્ટર્લિંગ કે. બ્રાઉન, નોહ વાયલ, જોનાથન ગ્રોફ, વેગનર મૌરા, રિયા સીહોર્ન, જાફર પનાહી (દિગ્દર્શક), નિક્કી ગ્લાસર (હાસ્ય કલાકાર), ટ્યારી જોન્સ (નવલકથાકાર), યિયુન લી (લેખક) અને ફ્રીડા મેકફેડન (લેખક) ના નામો આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં ચમક્યા છે. ટાઈમ મેગેઝિનની આ યાદી દર વર્ષે વિશ્વ પર સૌથી વધુ પ્રભાવ પાડનારા લોકોની કામગીરીનું વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવે છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
