News of Monday, 27th July 2026
"પક્ષપલટા સામે TMC નો હલ્લો!": ૨૦ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવા અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકરને લખ્યો આકરો પત્ર
અરજીઓ કર્યાના પાંચ અઠવાડિયા છતાં કોઈ કાર્યવાહી ન થતાં TMC ની નારાજગી; સંસદમાં અલગ જૂથ તરીકે માન્યતા આપવા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

કોલકાતા : પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને બળવાખોર સાંસદો વચ્ચેનો રાજકીય સંગ્રામ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સંસદીય દળના નેતા અને સાંસદ અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને NCPI (નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા) માં જોડાયેલા ૨૦ બળવાખોર TMC સાંસદો સામેની ગેરલાયકાત (Disqualification) અરજીઓ પર તાત્કાલિક અને અલગ-અલગ સુનાવણી હાથ ધરવાની માંગ કરી છે.
પાંચ અઠવાડિયાનો વિલંબ અને 'ગંભીર ચિંતા'
અભિષેક બેનર્જીએ સ્પીકરને પાઠવેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ દસમી અનુસૂચિ (Anti-Defection Law) હેઠળ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
પરંતુ, પાંચ અઠવાડિયા કરતાં વધુ સમય વીતી જવા છતાં સ્પીકર કાર્યાલય દ્વારા કોઈ નોટિસ જારી કરવામાં આવી નથી કે સુનાવણીની તારીખ નક્કી કરાઈ નથી. તેમણે આ પ્રકારની નિષ્ક્રિયતા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો છે કે આ વિલંબથી પક્ષપલટા વિરોધી કાયદાનો મૂળ ઉદ્દેશ્ય જ નિષ્ફળ થઈ રહ્યો છે.
"દસમી અનુસૂચિ હેઠળ સ્પીકરને સોંપવામાં આવેલી બંધારણીય સત્તાનો ઉપયોગ સમયમર્યાદામાં થવો જરૂરી છે. વિલંબથી અનિશ્ચિતતા વધે છે અને કાયદાકીય સુરક્ષા નબળી પડે છે."
— અભિષેક બેનર્જી (નેતા, TMC સંસદીય પક્ષ)
સર્વપક્ષીય બેઠકમાં બળવાખોરોની હાજરી સામે વિરોધ
TMC ના નેતાએ ચોમાસુ સત્ર પહેલાં સંસદીય બાબતોના મંત્રી દ્વારા ૧૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં પણ સવાલો ઉઠાવ્યા હતા.
જે સાંસદો સામે ગેરલાયકાતની અરજીઓ પેન્ડિંગ છે અને જેમણે 'NCPI' જેવી અમાન્ય રાજકીય રચના સાથે હાથ મિલાવ્યા છે, તેમને અલગ જૂથ તરીકે બેઠકમાં આમંત્રિત કરવાના નિર્ણય સામે તેમણે આકરો વાંધો નોંધાવ્યો હતો. આ ઘટનાક્રમે જ ગેરલાયકાતની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ ઊભી કરી છે.
TMC ની મુખ્ય માંગણીઓ:
· અલગ-અલગ સુનાવણી: તમામ ૨૦ બળવાખોર સાંસદોની અરજીઓ પર એકસાથે નહીં પણ સ્વતંત્ર રીતે અલગ-અલગ સુનાવણી કરીને નિર્ણય લેવામાં આવે.
· કુદરતી ન્યાયનો સિદ્ધાંત: તમામ પક્ષો અને તેમના કાનૂની પ્રતિનિધિઓને સુનાવણીની પૂર્ણ અને અસરકારક તક આપવામાં આવે.
· તાત્કાલિક આદેશ: બંધારણીય મર્યાદા જાળવીને દસમી અનુસૂચિના ફકરા ૬ હેઠળ વહેલામાં વહેલી તકે આખરી હુકમ કરવામાં આવે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
