<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

મધ્‍યરાત્રિથી આકાશમાં જોવા મળશે ટોરીડસ ઉલ્‍કાવર્ષાનો નજારો

કલાકના ૫૦થી વધુ ઉલ્‍કાથી દિવાળીની આતશબાજી જેવો રોમાંચ સર્જાશે : આગામી ૪ અને ૫ નવેમ્‍બરે સોથી વધુ ઉલ્‍કા વર્ષા નિહાળવાનો લહાવો મળશે

નવી દિલ્‍હી,તા.૩: દુનિયાભરના ખગોળ પ્રેમીઓ માટે આગામી પાંચ દિવસ અવકાશનો અદભુત નજારો માણવાની તક લઈને આવ્‍યા છે. ગઈકાલથી શુક્રવાર તા. ૬ નવેમ્‍બરના પરોઢ સુધી આકાશમાં ટોરીડસ ઉલ્‍કાવર્ષાનો મનોહર નજારો જોવા મળશે. સ્‍વચ્‍છ આકાશમાં કલાકના ૫૦ થી ૧૦૦ થી વધુ ઉલ્‍કાઓ પડતી જોવા મળશે, જે દિવાળીની આતશબાજી જેવો રોમાંચ પેદા કરશે.

ટોરીડસ ઉલ્‍કાવર્ષાના મુખ્‍ય બે પ્રકાર છે - દક્ષિણ અને ઉત્તર ટોરીડસ. જેમાં દક્ષિણ ટોરીડસની સક્રિયતા નવેમ્‍બર મહિનામાં સૌથી વધુ હોય છે. ખાસ કરીને તા. ૪ અને ૫ નવેમ્‍બર દરમિયાન મહત્તમ ઉલ્‍કાવર્ષા જોવા મળશે. રાત્રિના ૧ વાગ્‍યાથી પરોઢ સુધીનો સમય આ ઉલ્‍કાવર્ષા નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય રહેશે. નિર્જન જગ્‍યા અને સ્‍વચ્‍છ આકાશમાં આ નજારો નરી આંખે સ્‍પષ્ટ રીતે જોઈ શકાશે. વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ વખત ઉલ્‍કાવર્ષા જોવા મળે છે, જેમાં ટોરીડસ ઉલ્‍કાવર્ષા તેની વિશેષતા માટે જાણીતી છે. ધીમી ગતિએ આગળ વધતી અને ક્‍યારેક અત્‍યંત તેજસ્‍વી પ્રકાશ ઉત્‍પન્ન કરતી આ ઉલ્‍કાઓને લોકપ્રિય રીતે હેલોવીન ફાયર બોલ્‍સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અગનગોળા જેવી તેજસ્‍વી ઉલ્‍કા, હેલોવીન

ફાયર બોલ્‍સ તરીકે ઓળખાય છે

આ ખગોળીય ઘટના ત્‍યારે સર્જાય છે જ્‍યારે પૃથ્‍વી 2P/Encke નામના ધૂમકેતુ સાથે સંકળાયેલા ધૂળ અને નાના કણોના વાદળમાંથી પસાર થાય છે. આ કણો પૃથ્‍વીના વાતાવરણમાં આશરે ૨૭ થી ૨૯ કિલોમીટર પ્રતિ સેકન્‍ડની ઝડપે પ્રવેશે છે અને તેજસ્‍વી પ્રકાશના લિસોટા સર્જે છે. ક્‍યારેક તે અગનગોળા સ્‍વરૂપે દેખાય છે ત્‍યારે આકાશનો મોટો ભાગ પ્રકાશિત થઈ જાય છે. ઉલ્‍કા પડતી વખતે તેનો વેગ સેકન્‍ડના ૩૦ કિલોમીટર જેટલો હોવાનું અનુમાન છે. ખગોળરસિકોએ પ્રકાશ પ્રદૂષણથી દૂર, ખુલ્‍લા મેદાન કે અગાસી પરથી આ અદભુત અવકાશી નજારો માણવો જોઈએ.

(10:27 AM IST)