News of Monday, 13th July 2026
12 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ: આકાશમાં સર્જાશે અદભુત ખગોળીય ઘટના : બે વર્ષ બાદ પૃથ્વી પરથી જોવા મળશે
આ વખતનું પૂર્ણ સૂર્યગ્રહણ સૂર્યાસ્ત સમયે જોવા મળશે.સૂર્ય અસ્ત થતો હોય અને એ જ સમયે પૂર્ણ ગ્રહણ સર્જાય, તે અત્યંત દુર્લભ ઘટના ગણાય

આકાશમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ અદભૂત કુતૂહલનો વિષય બની જાય છે. એવી જ એક વિરલ ખગોળીય ઘટના 12 ઓગસ્ટે બનવાની છે. બે વર્ષ બાદ પૃથ્વી પરથી પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. આ વખતે આ ગ્રહણ માત્ર પૂર્ણ હોવાના કારણે જ નહીં, પરંતુ એક અનોખા કારણસર પણ ખાસ બની રહ્યું છે. વિશ્વના કેટલાક દેશોમાં લોકો સૂર્યાસ્ત સમયે પૂર્ણ સૂર્યગ્રહણ નિહાળી શકશે. આવો દૃશ્ય વારંવાર જોવા મળતા નથી.
સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી જ્યારે એક સીધી રેખામાં આવી જાય છે અને ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે ત્યારે સૂર્યગ્રહણ સર્જાય છે. જો ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે તો તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. આ દરમિયાન દિવસના સમયે પણ અંધારું છવાઈ જાય છે, આકાશમાં તારાઓ ઝળહળી ઊઠે છે અને વાતાવરણમાં અચાનક બદલાવ અનુભવાય છે.
આ વખતનું પૂર્ણ સૂર્યગ્રહણ સૂર્યાસ્ત સમયે જોવા મળશે. સામાન્ય રીતે પૂર્ણ સૂર્યગ્રહણ દિવસ દરમિયાન જોવા મળે છે, પરંતુ સૂર્ય અસ્ત થતો હોય અને એ જ સમયે પૂર્ણ ગ્રહણ સર્જાય, તે અત્યંત દુર્લભ ઘટના ગણાય છે. તેથી જ આ ગ્રહણ ખગોળવિજ્ઞાનના રસિયાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
આ ખગોળીય ઘટનાની શરૂઆત રશિયાના નિર્જન તાયમિર દ્વીપકલ્પથી થશે. ત્યાં સૂર્યોદય સમયે ગ્રહણ શરૂ થશે. જોકે રશિયામાં માત્ર આંશિક સૂર્યગ્રહણ જ જોવા મળશે. જેમ જેમ પૃથ્વી ફરતી જશે તેમ ગ્રહણનો માર્ગ પણ આગળ વધતો જશે.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના જણાવ્યા મુજબ પૂર્ણ સૂર્યગ્રહણનો સૌથી અદ્ભુત નજારો ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તર સ્પેન અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. ખાસ કરીને સ્પેનમાં સૂર્યાસ્ત દરમિયાન પૂર્ણ ગ્રહણ સર્જાશે. ક્ષિતિજ તરફ ઢળતો સૂર્ય અને તેની સામે સર્જાતું પૂર્ણ ગ્રહણ – આ દૃશ્ય વિશ્વભરના સ્કાય વોચર્સ માટે યાદગાર બની રહેશે. એટલા માટે આ વખતે સ્પેનને પૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવી રહ્યું છે.
પૂર્ણ સૂર્યગ્રહણનો માર્ગ મર્યાદિત વિસ્તારોમાંથી પસાર થશે, પરંતુ યુરોપના મોટા ભાગના દેશો તેમજ ઉત્તર આફ્રિકાના અનેક વિસ્તારોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. સૂર્યાસ્ત સમયે ગ્રહણ જોવાની તક બહુ ઓછી મળે છે. એશિયામાં છેલ્લે ડિસેમ્બર 2019માં આવો નજારો જોવા મળ્યો હતો.
ભારતના ખગોળપ્રેમીઓ માટે આ વખતે નિરાશાજનક સમાચાર છે. પૂર્ણ સૂર્યગ્રહણનો માર્ગ ભારતથી ઘણો દૂર હોવાથી દેશના કોઈપણ ભાગમાંથી આ ઘટના જોવા મળશે નહીં. જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં ગ્રહણ ચાલી રહ્યું હશે ત્યારે ભારતમાં રાત્રિ થઈ ચૂકી હશે. તેથી ભારતીયો આ ખગોળીય ઘટનાના સાક્ષી બની શકશે નહીં.
ભલે ભારતમાંથી આ ગ્રહણ નજરે નહીં પડે, પરંતુ વિશ્વભરની અનેક અવકાશ સંસ્થાઓ અને ખગોળવિજ્ઞાન સંગઠનો તેની લાઇવ સ્ટ્રીમિંગ કરશે. એટલે ઘેર બેઠાં પણ લોકો આ અદભૂત ખગોળીય ઘટનાનો આનંદ માણી શકશે.
12 ઓગસ્ટનું પૂર્ણ સૂર્યગ્રહણ વર્ષ 2026ની સૌથી મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓમાં સામેલ છે. સૂર્યાસ્ત સમયે સર્જાતું આ દુર્લભ દૃશ્ય વિશ્વના લાખો લોકો માટે જીવનભર યાદ રહે તેવી ક્ષણ બની શકે છે. ભલે ભારતમાંથી આકાશમાં આ ચમત્કાર જોવા નહીં મળે, પરંતુ વિજ્ઞાન અને અવકાશ પ્રત્યે રસ ધરાવતા લોકો માટે આ દિવસ ચોક્કસપણે ખાસ રહેશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
