News of Saturday, 14th November 2026
ઝેરીલી હવા હવે બ્લડ શુગર પણ વધારશે: પ્રદૂષણથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 16% સુધી વધ્યાનો ચોંકાવનારો ખુલાસો
હવામાં રહેલા PM 2.5 જેવા અત્યંત સૂક્ષ્મ રજકણો ફેફસાં ઉપરાંત શરીરની ઈન્સ્યુલિન ક્ષમતાને નબળી પાડે છે; 200 કરોડ લોકોના ડેટાના વૈશ્વિક અભ્યાસમાં ભારત સહિત દક્ષિણ એશિયા માટે મોટી ચેતવણી

નવી દિલ્હી:અત્યાર સુધી વાયુ પ્રદૂષણને માત્ર શ્વાસ, ફેફસાં અને હૃદયની બીમારીઓ માટે જ જવાબદાર માનવામાં આવતું હતું, પરંતુ એક નવા વૈશ્વિક અભ્યાસે તબીબી જગતની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા 'એપેક્સ-ટી2ડી' (APEX-T2D) નામના સંશોધન મુજબ, હવામાં રહેલા અત્યંત સૂક્ષ્મ પ્રદૂષિત રજકણો એટલે કે PM 2.5 ના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ટાઈપ-2 ડાયાબિટીસ (મધુમેહ) થવાનું જોખમ 10 થી 16 ટકા સુધી વધી જાય છે. પ્રદૂષણના સ્તરમાં પ્રતિ ઘન મીટર 10 માઈક્રોગ્રામનો વધારો થતાં જ ડાયાબિટીસનું આ જોખમ સતત વધતું હોવાનું સામે આવ્યું છે.
200 કરોડ લોકોના ડેટાનું વિશ્લેષણ
'જર્નલ ઓફ વાસ્ક્યુલર ડિસીઝ'માં પ્રકાશિત આ અહેવાલમાં મે 2026 સુધીના વૈશ્વિક આંકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં વિશ્વભરના અંદાજે 200 કરોડ લોકોના ડેટા ધરાવતી 13 મોટી સમીક્ષાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાયું હતું. આ આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમમાં નવી દિલ્હીની ફોર્ટિસ સી-ડોક હોસ્પિટલના જાણીતા ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. અનૂપ મિશ્રા અને ડૉ. યશેન્દ્ર સેઠી ઉપરાંત અમેરિકાની સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલના ડૉ. નીરજા કાકા, મેરઠની સુભારતી મેડિકલ કોલેજના ડૉ. સૌરભ સિંઘલા, ડૉ. માનવી વાસુદેવ અને ઈટાલીની મારિયા સેસિલિયા હોસ્પિટલના પ્રોફેસર જિયુસેપે બાયોન્ડી-ઝોકાઈ સામેલ હતા.
પ્રદૂષિત હવા શરીરમાં ડાયાબિટીસ કેવી રીતે નોતરે છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હવામાં રહેલા PM 2.5 કણો કદમાં એટલા સૂક્ષ્મ હોય છે કે તે શ્વાસ દ્વારા સીધા લોહીના પરિભ્રમણમાં ભળી જાય છે. તેનાથી શરીરમાં આંતરિક સોજો (Inflammation) અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે. લાંબા ગાળે આ પ્રક્રિયા સ્વાદુપિંડ (Pancreas) ના કોષોને નુકસાન પહોંચાડે છે અને શરીરમાં 'ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ' પેદા કરે છે. પરિણામે, શરીરની બ્લડ શુગરને નિયંત્રિત કરવાની કુદરતી ક્ષમતા ધીમે-ધીમે નબળી પડવા લાગે છે.
ભારત અને દક્ષિણ એશિયા પર સૌથી વધુ ખતરો
સંશોધકોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ અને ડાયાબિટીસનો આ બેવડો માર ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. ભારતમાં હાલ 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે અને અંદાજે 13.6 કરોડ લોકો 'પ્રી-ડાયાબિટીક' તબક્કામાં એટલે કે બીમારીના ઉંબરે ઊભા છે. ડૉ. અનૂપ મિશ્રા અને ડૉ. યશેન્દ્ર સેઠીના મતે, ભારત જેવા દેશમાં ડાયાબિટીસને નાથવો હશે તો માત્ર ખોરાક કે કસરત પર ધ્યાન આપવું પૂરતું નથી, પરંતુ સ્વાસ્થ્ય નીતિઓમાં સ્વચ્છ હવા અને પ્રદૂષણ નિયંત્રણને પણ કેન્દ્રસ્થાને રાખવું પડશે.
ઝેરીલી હવાથી બચવા શું કરવું?
માસ્કનો ઉપયોગ: પ્રદૂષણનું સ્તર (AQI) વધુ હોય ત્યારે ઘરની બહાર નીકળતી વખતે સારી ગુણવત્તાવાળા N95 માસ્ક અવશ્ય પહેરવા.
ઘરની અંદર શુદ્ધ હવા: બારી-બારણાં બંધ રાખવા અને શક્ય હોય તો ઘરમાં HEPA ફિલ્ટર ધરાવતા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો.
કસરતનો સમય બદલો: વહેલી સવારે જ્યારે ધુમ્મસ અને પ્રદૂષણ વધુ હોય ત્યારે બહાર ચાલવા કે દોડવા જવાને બદલે ઘરમાં જ યોગ કે કસરત કરવી.
આહાર અને તપાસ: ખોરાકમાં એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો તથા ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતપણે બ્લડ શુગરની તપાસ કરાવતા રહેવું.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
