<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સોનામાં ભેળસેળ મુદ્દે વેપારીઓની ચિંતા વધી, ૪૦૦૦ નોંધણી વગરની રિફાઈનરીઓ

દેશમાં માત્ર ૬૩ જ સોનાની રિફાઇનરીઓ બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ્‍સ(BIS)દ્વારા માન્‍યતા પ્રાપ્ત

મુંબઈ તા.૨૧: દેશના બુલિયન અને જ્‍વેલરી ઉદ્યોગમાં સોનાની શુદ્ધતાને લઈને ચિંતા વધી છે. જેમાં ઇન્‍ડિયા બુલિયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસિએશનના જણાવ્‍યા અનુસાર દેશમાં માત્ર ૬૩ જ સોનાની રિફાઇનરીઓ બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ્‍સ(BIS)દ્વારા માન્‍યતા પ્રાપ્ત છે. જ્‍યારે ૪૦૦૦ જેટલી રિફાઇનરી કોઇ પણ પ્રકારની નોંધણી વગર ચાલે છે. જેમાં સોનાનું વજન કૃત્રિમ રીતે વધારવા માટે  શંકાસ્‍પદ ધાતુઓ ભેળવવાનું જોખમ વધે છે.

આ ઉદ્યોગ સંગઠનોએ માંગ કરી છે કે તમામ બિન-નોંધાયેલ રિફાઇનરીઓને તાત્‍કાલિક BISના દાયરામાં લાવવામાં આવે અને જ્‍વેલર્સ માટે BIS અને NABL માન્‍યતા પ્રાપ્ત રિફાઇનરીઓમાંથી જ બાર અને સિક્કા ખરીદવા ફરજિયાત બનાવવામાં આવવા જોઇએ.

આ ઉપરાંત હાલમાં સોનાના ભેળસેળ અને વજન વધારવાના અનેક અહેવાલો પ્રકાશમાં આવ્‍યા છે. જેમાં મળતી માહિતી મુજબ  રેનિયમ અને ઇરીડિયમ આધારિત એલોયનો ઉપયોગ જ્‍વેલરી અને બુલિયન બારનું વજન વધારવા માટે કરવામાં આવે છે.

તેમજ આ  ધાતુઓને મિશ્રિત કરવાથી માત્ર સોનાનું વજન વધે છે. જ્‍યારે તેની વાસ્‍તવિક શુદ્ધતામાં કોઈ વધારો થતો નથી. અહેવાલ મુજબ ચીનમાંથી આવતા રેનિયમ પાવડરનું ગલનબિદુ ૩,૧૦૦ સેલ્‍શિયસ કરતાં વધુ છે. જ્‍યારે સામાન્‍ય જ્‍વેલરીનું ઉત્‍પાદન ૧,૦૫૦ થી ૧,૧૦૦ સેલ્‍શિયસ તાપમાને થાય છે. તેના અત્‍યંત ઊંચા ગલનબિદુંને કારણે તે સોનામાં સંપૂર્ણપણે ઓગળી શકતું નથી અને સામાન્‍ય હોલમાર્કિગ પરીક્ષણમાં પકડમાં નથી આવતું.

ઇન્‍ડિયા બુલિયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્‍દ્ર મહેતાએ મીડિયાને  જણાવ્‍યું હતું કે, આ સમસ્‍યા ખૂબ જ ગંભીર છે અને તેના કારણે ઉદ્યોગ અને ગ્રાહકો બંનેને ભારે નુકસાન થઈ રહ્યું છે.

આ ઉપરાંત જ્‍વેલરી પર હોલમાર્કિગ ફરજિયાત છે. પરંતુ માર્કેટમાં વેચાતા રૂ. ૧.૫ કરોડ સુધીના હેવી ગોલ્‍ડ બાર પર હોલમાર્કિગનો અમલ ન થવાથી સમગ્ર સિસ્‍ટમ પર મોટા પ્રશ્નો ઉભા થાય છે. તેમણે આ માટે BIS અને વહીવટી દેખરેખને જવાબદાર ગણાવ્‍યા છે

(1:34 PM IST)