News of Monday, 7th September 2026
અમૃતા ફડણવીસના VVIP કાર્યક્રમમાં કલાકો સુધી ટ્રાફિક જામ: "ઘરમાં ઈમરજન્સી છે, જવા દો...", મહિલાના આક્રંદથી સન્નાટો છવાઈ ગયો!
સુપરકાર રેલી માટે રસ્તા બ્લોક કરાતાં સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં; રડતી મહિલાની આજીજી છતાં સુરક્ષાકર્મીઓએ રસ્તો ન આપતાં સોશિયલ મીડિયા પર આક્રોશ

મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસના એક VVIP કાર્યક્રમ દરમિયાન મુંબઈના રસ્તાઓ પર સર્જાયેલા ભારે ટ્રાફિક જામનો એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો છે. કેન્સર જાગૃતિ માટે યોજાયેલી ‘ક્વીન્સ ડ્રાઈવ ક્લબ ૬.૦ સુપરકાર રેલી’માં અમૃતા ફડણવીસ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. પ્રોટોકોલ અને સુરક્ષાના નામે રસ્તાઓ બ્લોક કરી દેવાતાં સામાન્ય વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા, જેમાં એક મહિલાની ભારે કરૂણ સ્થિતિ સામે આવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા મીડિયાકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ સામે હાથ જોડીને રડતી રડતી આજીજી કરતી જોવા મળે છે. મહિલાએ અત્યંત વિવશ થઈને કહ્યું, "ગાઈઝ, મારા ઘરમાં મેડિકલ ઈમરજન્સી છે, જીવન-મરણનો સવાલ છે. મારી કાર છેલ્લા દોઢ કલાકથી ફસાયેલી છે, પ્લીઝ મને જવા દો..." મહિલાની આંખોમાં આંસુ હતા અને તે વારંવાર માફી માંગીને રસ્તો આપવા વિનંતી કરી રહી હતી. આમ છતાં, કઠોર બની ગયેલા સુરક્ષાકર્મીઓએ તેને રસ્તો આપવાને બદલે પાછળ ધકેલી દીધી હતી.
આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નેતાઓ અને VVIP લોકોના કાર્યક્રમો માટે સામાન્ય જનતાના જીવને જોખમમાં મૂકવો કેટલો યોગ્ય છે? બીજી તરફ, આ જ કાર્યક્રમ દરમિયાન અમૃતા ફડણવીસે રાહુલ ગાંધી અને અભિનેત્રી સ્વરા ભાસ્કર પર રાજકીય નિશાનો સાધ્યો હતો. જોકે, ફસાયેલી મહિલાની દુર્દશા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા ન આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
