હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોબાઈલ યઝર્સ માટે ટ્રાઈ (TRAI) ની મોટી ભેટ: હવે ડેટા વિના માત્ર કોલિંગ અને એસએમએસ માટે સસ્તા રિચાર્જ પ્લાન આપવા ટેલિકોમ કંપનીઓ માટે બન્યા ફરજિયાત
મોંઘા રિચાર્જમાંથી સામાન્ય જનતાને મળશે મોટી રાહત: ૩૦ દિવસ કે તેથી ઓછી વેલિડિટીવાળા વોઈસ-એસએમએસ પ્લાન લાવવા પડશે, વરિષ્ઠ નાગરિકો અને લો-ડેટા યુઝર્સને થશે વિશેષ ફાયદો

નવી દિલ્હી, તા.૨૨: મોબાઈલ ફોન વાપરતા કરોડો ગ્રાહકો માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી મોટાભાગની ટેલિકોમ કંપનીઓ દરેક રિચાર્જ પ્લાનમાં ઇન્ટરનેટ ડેટા ફરજિયાત જોડીને મોંઘા ભાવે વેચતી હતી, જેના કારણે જે લોકો ડેટા વાપરતા નહોતા તેમણે પણ બિનજરૂરી ના ચૂકવવા પડતા હતા. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે TRAI એ 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન, ૨૦૨૬' જાહેર કર્યું છે. આ નવા નિયમ હેઠળ હવે તમામ ટેલિકોમ કંપનીઓ માટે માત્ર કોલિંગ (Voice) અને SMS સુવિધા ધરાવતા બજેટ ફ્રેન્ડલી અને સસ્તા રિચાર્જ પ્લાન બજારમાં મૂકવાનું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે.
નવા નિયમોની વિગતો આપતા ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો ૩૦ દિવસ અથવા તેનાથી ઓછી વેલિડિટીવાળા પ્લાન ઈચ્છે છે, તેમના માટે કંપનીઓએ માત્ર વોઈસ અને એસએમએસ વાળા પ્લાન ઉપલબ્ધ કરાવવા જ પડશે. આ સાથે ગ્રાહકોની સુવિધા માટે દર મહિને એક જ નિશ્ચિત તારીખે પોતાનો રિચાર્જ રિન્યૂ કરવાનો વિકલ્પ પણ આપવો પડશે, જેથી વારંવાર અલગ તારીખે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે. આ ઉપરાંત, ૩૦ દિવસથી વધુ વેલિડિટી ધરાવતો ઓછામાં ઓછો એક વોઈસ-એસએમએસ ઓન્લી પ્લાન આપવો પણ કંપનીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો છે.
કોને થશે સૌથી વધુ ફાયદો અને કિંમતોમાં થશે ઘટાડો?
ટ્રાઈના આ ક્રાંતિકારી નિર્ણયથી દેશના એવા લાખો ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થશે જેઓ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાનો બિલકુલ ઉપયોગ કરતા નથી અથવા ખૂબ જ નહિવત ઉપયોગ કરે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ગ્રામ્ય વિસ્તારના લોકો અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે આ નિર્ણય વરદાનરૂપ સાબિત થશે, કારણ કે હવે તેમણે ફક્ત કોલિંગ માટે મોંઘા ડેટા પેક પાછળ પૈસા ખર્ચવા નહીં પડે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને એવા પણ નિર્દેશ આપ્યા છે કે આ નવા નોન-ડેટા પ્લાનની કિંમતો ખૂબ જ આકર્ષક અને સસ્તી રાખવામાં આવે. જનતા તરફથી મળેલા ૧,૧૩૨ જેટલા મજબૂત પ્રતિસાદો બાદ લેવાયેલા આ અંતિમ નિર્ણયથી ટેલિકોમ માર્કેટમાં ગ્રાહકોને મોટી રાહત મળવાની પૂરી સંભાવના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
