<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ટ્રમ્‍પને આંચકોઃ વ્‍હાઇટ હાઉસમાં પ્રતિબંધિત મીડિયાના પ્રતિબંધ પર કોર્ટે રોક લગાવી

CNN, MS NOW અને Politicoના પ્રેસ પાસ તાત્‍કાલિક પુનઃસ્‍થાપિત કરવા વ્‍હાઇટ હાઉસને નિર્દેશ

વોશિંગ્‍ટન, તા.૨૪: અમેરિકન રાજકારણ અને મીડિયા જગતમાં ભૂકંપ સર્જનારા એક મોટા વિકાસક્રમમાં, યુએસ ફેડરલ જજ ટિમોથી કેલીએ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વ્‍હાઇટ હાઉસમાં મીડિયા પ્રતિબંધના નિર્ણયને કાયદાકીય રીતે સખત ફટકો માર્યો છે. કોર્ટે સીધી રીતે હસ્‍તક્ષેપ કરીને સીએનએન, એમએસ નાઉ અને પોલિટિકોના પત્રકારોના વ્‍હાઇટ હાઉસમાં પ્રવેશને તાત્‍કાલિક ધોરણે પુનઃસ્‍થાપિત કરવાનો કડક આદેશ જારી કર્યો છે. ન્‍યાયાધીશ કેલીએ તેમના મહત્ત્વના ચુકાદામાં સ્‍પષ્ટ કર્યું છે કે વહીવટીતંત્ર દ્વારા પત્રકારોના પ્રેસ પાસ રદ કરવાની આ કાર્યવાહી બંધારણીય અધિકારો અને યોગ્‍ય કાનૂની પ્રક્રિયાની ગંભીર વિરુદ્ધ હતી. આ ઐતિહાસિક નિર્ણયથી લોકશાહીના ચોથા સ્‍તંભ તરીકે ઓળખાતી પત્રકારત્‍વની સ્‍વતંત્રતાને ફરી એકવાર મોટી નૈતિક અને કાયદાકીય જીત મળી છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્‍યારે થઈ હતી જ્‍યારે રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર આક્રમક નિવેદનો આપતા આ ત્રણેય મીડિયા સંસ્‍થાઓ પર સતત પક્ષપાતી અને ખોટા સમાચાર ફેલાવવાનો ગંભીર આરોપ મૂકીને તેમને વ્‍હાઇટ હાઉસના કવરેજથી વંચિત કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના માત્ર એક જ દિવસમાં આ તમામ સંસ્‍થાઓના પ્રતિનિધિ પત્રકારોના અધિકળત પ્રેસ પાસ અચાનક રદ કરી દેવામાં આવ્‍યા હતા અને તેમને વ્‍હાઇટ હાઉસ પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્‍યા હતા. આ મનસ્‍વી અને અચાનક લેવાયેલા પગલા સામે લાલઘૂમ બનેલા મીડિયા સંગઠનોએ તરત જ અદાલતના દરવાજા ખટખટાવ્‍યા હતા. સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ બચાવ કરતા દલીલ કરી હતી કે વ્‍હાઇટ હાઉસમાં એક્‍સેસ મેળવવી એ કોઈ મૂળભૂત અધિકાર નથી પરંતુ માત્ર એક વિશેષાધિકાર છે અને રાષ્‍ટ્રીય સુરક્ષાના કારણોસર આ પ્રતિબંધ વાજબી છે.

જોકે, ન્‍યાયાધીશ કેલીએ સરકારની આ દલીલોને ફગાવી દીધી હતી અને વર્ષ ૨૦૧૮ ના જાણીતા જીમ એકોસ્‍ટા કેસને ટાંકતા યાદ અપાવ્‍યું હતું કે કોઈપણ સરકારી સંસ્‍થા બંધારણીય રીતે સુરક્ષિત અધિકારોને મનસ્‍વી રીતે છીનવી શકે નહીં. કોર્ટે નોંધ્‍યું હતું કે પાસ રદ કરતા પહેલા પત્રકારોને પૂરતી નોટિસ આપીને પોતાનો પક્ષ રજૂ કરવાની ન્‍યાયિક તક આપવી અનિવાર્ય હતી, જેનું આ કેસમાં સરેઆમ ઉલ્લંઘન થયું છે. અદાલતના આ આદેશ બાદ હવે વ્‍હાઇટ હાઉસ પ્રશાસન માટે આ ત્રણેય ન્‍યૂઝ સંસ્‍થાઓના પત્રકારોના પ્રવેશને ફરીથી મંજૂર કરવાની કાયદાકીય મજબૂરી ઉભી થઈ ગઈ છે. આ ઘટનાક્રમ આગામી સમયમાં વહીવટીતંત્ર અને સ્‍વતંત્ર મીડિયા વચ્‍ચેના સંબંધોમાં વધુ તણાવ પેદા કરી શકે છે તેવી પૂરી સંભાવના છે

 

(2:21 PM IST)