<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ટ્રમ્પ સરકારનો નવો દાવ: કોર્ટમાં પછડાટ બાદ અમેરિકાએ ભારત અને ચીન સામે છેડ્યું નવું 'ટેરિફ યુદ્ધ'

સુપ્રીમ કોર્ટે 'લિબરેશન ડે' ટેક્સ રદ કરતાં જ અમેરિકાએ ગ્લોબલ ટ્રેડ વોર માટે નવો રસ્તો શોધી કાઢ્યો

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના ઝટકા બાદ વૈશ્વિક વેપાર બજારને હચમચાવવા માટે એક નવો પાવરફુલ પેંતરો ખેલ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં યુએસ સુપ્રીમ કોર્ટે વ્હાઇટ હાઉસ દ્વારા અગાઉ લાદવામાં આવેલા "લિબરેશન ડે" ટેરિફને ગેરકાનૂની ગણાવીને રદ કરી દીધા હતા, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો કાનૂની આંચકો લાગ્યો હતો. જોકે, હાર માન્યા વગર અમેરિકાએ હવે 'સેક્શન 301' કાયદાનો ઉપયોગ કરીને 'બળજબરીથી મજૂરી' (ફોર્સ્ડ લેબર) અટકાવવામાં નિષ્ફળ રહેવાનો ગંભીર આરોપ મૂકી ભારત, ચીન અને જાપાન સહિત વિશ્વના 60 દેશો પર 10થી 12.5 ટકા જેટલો વધારાનો ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ મૂકી દીધો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમીસન ગ્રીરે કડક શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકન કામદારોને અસમાન બજાર આપતી આવી કોઈ પણ નિષ્ફળતા સહન કરવામાં નહીં આવે.

આ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે સૌથી રસપ્રદ વાત એ છે કે, જ્યારે વોશિંગ્ટનથી આ ટેરિફની જાહેરાત કરવામાં આવી, ત્યારે જ અમેરિકાની એક ઉચ્ચ સ્તરીય વેપાર ટીમ નવી દિલ્હીમાં હાજર હતી. ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારને અંતિમ ઓપ આપવા માટે ભારતીય ટીમના વડા અને વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન તથા યુએસ ચીફ નેગોશિયેટર બ્રેન્ડન લિંચ વચ્ચે 1 થી 4 જૂન દરમિયાન આકરી વાટાઘાટો ચાલી રહી હતી. ભારતીય વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત આ સેક્શન 301 ની કાર્યવાહી અંગે અમેરિકા સાથે સતત ચર્ચામાં છે અને આ સંકટમાંથી બહાર નીકળવા માટે એક દ્વિપક્ષીય વેપાર કરારનો માર્ગ શોધી રહ્યું છે, જેથી ભારતને આ આકરા કરબોજમાંથી મુક્તિ મળી શકે અથવા ટેક્સનો દર ઘટાડી શકાય.

જો આ વાટાઘાટો કોઈ સકારાત્મક વળાંક નહીં લે, તો ભારતના જે ક્ષેત્રોમાં સૌથી વધુ રોજગારી મળે છે તેને આર્થિક મોરચે મોટો ફટકો પડી શકે છે. અમેરિકાએ કેપિટલ-ઇન્ટેન્સિવ (મોટી મૂડીવાળી) પ્રોડક્ટ્સ જેવી કે ઓર્ગેનિક કેમિકલ્સ, મશીનરી અને ફાર્માસ્યુટિકલ્સ સહિત 1,654 પ્રોડક્ટ્સને આ ટેક્સમાંથી મુક્તિ આપી છે, પરંતુ ભારતના શ્રમ-સઘન (લેબર-ઇન્ટેન્સિવ) ઉદ્યોગો જેવા કે કાપડ, વસ્ત્રો, કાર્પેટ, ફૂટવેર અને હીરા-ઝવેરાત પર પૂરેપૂરો 12.5 ટકા ટેક્સ લાગુ થશે. જોકે, રાહતની વાત એ છે કે આ માત્ર એક પ્રસ્તાવ છે, જેની અંતિમ સુનાવણી આગામી 7 જુલાઈના રોજ થવાની છે. ત્યાં સુધીમાં જો ભારત બાંગ્લાદેશ કે પાકિસ્તાનની જેમ કોઈ પરસ્પર વેપાર કરારની ખાતરી આપી દે, તો ટેક્સનો દર ઘટીને 10 ટકા થઈ શકે છે અથવા ભારતને આ કટોકટીમાંથી સંપૂર્ણ રાહત મળી શકે છે.

 

(5:49 PM IST)