<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પૂર્વે ટ્રમ્પનો ઈરાનને અનુરોધ : ફાંસીની સજાનો સામનો કરી રહેલી ૮ મહિલાઓને મુક્ત કરવા કરી અપીલ

મહિલાઓની મુક્તિ વાટાઘાટો માટે 'શાનદાર શરૂઆત' ગણાશે : જો મંત્રણા નિષ્ફળ જશે તો ઈરાન પર ભીષણ બોમ્બમારો કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ગંભીર ચેતવણી

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી બીજા રાઉન્ડની નિર્ણાયક શાંતિ મંત્રણા પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ઈરાની નેતાઓને અપીલ કરી છે કે તેઓ ફાંસીની સજાનો સામનો કરી રહેલી ૮ મહિલાઓને તાત્કાલિક મુક્ત કરે. ટ્રમ્પના મતે, મંત્રણાના ટેબલ પર બેસતા પહેલા ઈરાન તરફથી આ એક સકારાત્મક અને મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે.

વાટાઘાટો પૂર્વે ટ્રમ્પનું ટ્રુથ સોશિયલ પર નિવેદન:
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "ઈરાની નેતાઓ, જેઓ ટૂંક સમયમાં મારા પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરવા જઈ રહ્યા છે, તેમને હું વિનંતી કરું છું કે આ મહિલાઓને મુક્ત કરવામાં આવે. મને ખાતરી છે કે મારા પ્રતિનિધિઓ તમારા આ પગલાને માન આપશે. કૃપા કરીને તેમને નુકસાન ન પહોંચાડો, આ આપણી વાટાઘાટોની એક શાનદાર શરૂઆત હશે." ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા છે કે ઈરાની ન્યાયતંત્ર ૮ મહિલાઓને ફાંસી આપવાની તૈયારી કરી રહ્યું છે, જેના પગલે ટ્રમ્પે આ દરમિયાનગીરી કરી છે.

મંત્રણા નિષ્ફળ જશે તો 'બોમ્બમારો' કરવાની ચેતવણી:
એક તરફ શાંતિનો પ્રસ્તાવ મૂકતા ટ્રમ્પે બીજી તરફ આક્રમક વલણ પણ જાળવી રાખ્યું છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો બુધવાર, ૨૨ એપ્રિલના રોજ પૂરા થઈ રહેલા ૧૪ દિવસના યુદ્ધવિરામ પહેલા કોઈ સમજૂતી નહીં સધાય, તો ઈરાન પર 'ભારે બોમ્બમારો' શરૂ કરવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અત્યારે અત્યંત મજબૂત સ્થિતિમાં છે અને જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે તો સૈન્ય કાર્યવાહી માટે સેના તૈયાર છે.

ઈસ્લામાબાદમાં હાઈ-પ્રોફાઈલ ડેલીગેશન પહોંચશે:
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી આ ઉચ્ચસ્તરીય બેઠક માટે અમેરિકાએ તેનું સૌથી શક્તિશાળી પ્રતિનિધિમંડળ મેદાનમાં ઉતાર્યું છે. આ ટીમનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ કરી રહ્યા છે, જેમાં ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફનો પણ સમાવેશ થાય છે. આ મંત્રણા સમગ્ર મધ્ય-પૂર્વના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે ઈરાન ટ્રમ્પના આ 'ગુડવિલ જેસ્ચર'ના પ્રસ્તાવનો કેવો પ્રતિસાદ આપે છે અને શાંતિ મંત્રણામાં શું પરિણામ આવે છે.

(7:54 AM IST)