<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ટ્રમ્‍પનું અમેરિકન મીડિયા પર બિગ એક્‍શનઃ CNN-Politico અને MS NOW પર લગાવ્‍યો પ્રતિબંધ

મીડિયા સંસ્‍થાઓ પર સતત ફેક ન્‍યૂઝ અને ખોટા સમાચાર રિપોર્ટ કરવાનો આરોપ લગાવ્‍યો

વોશીંગ્‍ટન તા.૧૯: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે CNN, Politicં અને MS NOWને વ્‍હાઇટ હાઉસમાંથી બેન કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્‍પે Truth Social પર પોસ્‍ટ કરીને આ મીડિયા સંસ્‍થાઓ પર સતત ફેક ન્‍યૂઝ પ્રકાશિત અને પ્રસારિત કરવાનો આરોપ લગાવ્‍યો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ, ટ્રમ્‍પ પ્રશાસન અથવા અમેરિકાની કવરેજ દરમિયાન મીડિયા સંસ્‍થાઓને સતત કાલ્‍પનિક સમાચાર અને જૂઠ લખવાની કે રિપોર્ટ કરવાની મંજૂરી ન હોવી જોઈએ.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાની પોસ્‍ટમાં લખ્‍યું કે, તાત્‍કાલિક અસરથી તેઓ CNN, MS NOW અને Politicoને વ્‍હાઇટ હાઉસમાંથી બેન કરી રહ્યા છે. તેમણે આ નિર્ણયનું કારણ આ મીડિયા સંસ્‍થાઓ દ્વારા સતત ફેક ન્‍યૂઝ રિપોર્ટ કરવાનું ગણાવ્‍યું. ટ્રમ્‍પે વધુમાં સંકેત આપ્‍યો કે અન્‍ય મીડિયા સંસ્‍થાઓ સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે.

ટ્રમ્‍પે Politico અંગે આરોપ લગાવ્‍યો કે જો બાઇડનના કાર્યકાળ દરમિયાન અમેરિકી સરકારે તેને ૮ મિલિયન ડોલરની સબ્‍સ્‍ક્રિપ્‍શન રકમ આપી હતી. ટ્રમ્‍પે આ રકમને લઈને સવાલ ઉઠાવ્‍યો અને તેને ભ્રષ્ટાચાર સાથે જોડ્‍યો. જોકે Politicoએ આ દાવાને ખોટો ગણાવ્‍યો છે અને કહ્યું છે કે આ બાબત અગાઉ જ ખોટી સાબિત થઈ ચૂકી છે.

ટ્રમ્‍પે આગળ કહ્યું કે અન્‍ય ફેક ન્‍યૂઝ મીડિયા સંસ્‍થાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો ટ્રમ્‍પનો આ બેન અમલમાં આવે છે, તો CNN, Politicં અને MS NOW તેને કોર્ટમાં પડકારી શકે છે. જોકે પ્રતિબંધ કેવી રીતે લાગુ કરવામાં આવશે અને પત્રકારોની ઍક્‍સેસ પર તેની ચોક્કસ અસર શું રહેશે તે અંગે  હજુ સુધી કોઇ  સ્‍પષ્ટતા કરવામાં આવી નથી. ૧૮ સપ્‍ટેમ્‍બરના અહેવાલો મુજબ, ટ્રમ્‍પની જાહેરાત બાદ પણ આ મીડિયા સંસ્‍થાઓના પત્રકારો વ્‍હાઇટ હાઉસમાં કામ કરતા જોવા મળ્‍યા હતા.

આ મામલે અમેરિકાના ફર્સ્‍ટ એમેન્‍ડમેન્‍ટ હેઠળ પ્રેસની સ્‍વતંત્રતા અને સરકારી એક્‍સેસને લઈને કાનૂની પ્રશ્નો ઊભા થઈ શકે છે. CNN અને Politicoએ પોતાના પત્રકારોના રિપોર્ટિગ અધિકારનું રક્ષણ કરવાની વાત કરી છે.

આ પહેલીવાર નથી જ્‍યારે ટ્રમ્‍પે કોઈ મોટા મીડિયા સંસ્‍થાનને વ્‍હાઇટ હાઉસની પ્રેસ એક્‍સેસથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હોય. ફેબ્રુઆરી ૨૦૨૫માં ટ્રમ્‍પ પ્રશાસને Associated Press (AP)ની વ્‍હાઇટ હાઉસના કેટલાક કાર્યક્રમોમાં એક્‍સેસ પર પ્રતિબંધ મૂક્‍યો હતો. APએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે કાનૂની કાર્યવાહી આગળ વધી  શકે છે.

(11:46 AM IST)