News of Monday, 12th October 2026
નાલાસોપારામાં નવરાત્રિ મંડપ નજીક સાંકડા રસ્તા પરથી પસાર થવા મુદ્દે બે જૂથ વચ્ચે ભીષણ અથડામણ: સામસામે પથ્થરમારો થતાં ૧૦થી વધુ લોકો ઘાયલ!
આચોલે વિસ્તારમાં બાઇકચાલક અને ટેમ્પો ડ્રાઈવર વચ્ચેના ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ: તંગદિલીભર્યા માહોલને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

નાલાસોપારા : મહારાષ્ટ્રના નાલાસોપારા પૂર્વ વિસ્તારમાં નવરાત્રિની ખુશનુમા ઉજવણી વચ્ચે રવિવારે મોડી રાત્રે એક ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. આચોલે પરિસરમાં આવેલા નવરાત્રિ મંડપ નજીક સાંકડા રસ્તા પરથી પસાર થવા બાબતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન થયેલા ઉગ્ર પથ્થરમારો અને બામ્બુ વડે થયેલી મારામારીમાં મહિલાઓ સહિત ૧૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે રાત્રે આચોલે મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મંડપ નજીકથી પસાર થઈ રહેલા એક બાઇકચાલક (જેની ઓળખ કૃષ્ણ તરીકે થઈ છે) નો રસ્તા પર ઊભેલા ટેમ્પોના ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો. આ સાંકડા માર્ગ પર બાઇક કાઢવા બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં મંડળના કેટલાક કાર્યકરો વચ્ચે પડ્યા હતા અને કથિત રીતે બાઇકચાલક સાથે મારપીટ કરીને તેને ત્યાંથી ભગાડી મૂક્યો હતો.
આ અપમાનનો બદલો લેવા માટે ગણતરીની મિનિટોમાં જ બાઇકચાલક તેના ૧૦ થી ૧૫ મિત્રો અને સમર્થકોને લઈને પરત મંડપ પાસે પહોંચ્યો હતો. બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર ઉતરી આવ્યો હતો અને સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. આ પથ્થરમારામાં માં અંબાની પ્રતિમાના સ્ટેજ સુધી પથ્થરો પહોંચ્યા હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, બંને પક્ષોએ લાકડીઓ અને બામ્બુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
આ હિંસક અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા ૧૦ થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે વસઈ-વિરાર મહાનગરપાલિકા સંચાલિત તુલિંજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તુલિંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને પૂછપરછ માટે કેટલાક શખ્સોને તાબામાં લીધા છે.
સમગ્ર ઘટનાને પગલે નાલાસોપારાના આચોલે વિસ્તારમાં ભારે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હુમલામાં સંડોવાયેલા અન્ય ઉપદ્રવીઓની ઓળખ કરવા માટે પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
