<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

એક જ યુવતી સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલા બે ભાઈઓએ હવે ‘જોડીદાર ભાઈ ફેમિલી રેસ્‍ટોરન્‍ટ' શરૂ કર્યું

હવે કપિલ અને પ્રદીપ તેમની પત્‍ની સુનીતા સાથે પારિવારિક જીવન જીવી રહ્યા છે. આ પરિવારને સાત મહિનાની એક પુત્રી પણ છે

સિરમૌર તા.૧૮: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્‍લામાં એક જ યુવતી સાથે લગ્ન કરનારા બે ભાઈઓ ફરી એકવાર ચર્ચામાં આવ્‍યા છે. શિલ્‍લાઈના આ બંને ભાઈઓએ હવે સાથે મળીને નવો વ્‍યવસાય શરૂ કર્યો છે. મોટો ભાઈ જળ શક્‍તિ વિભાગમાં નોકરી કરે છે, જ્‍યારે નાના ભાઈએ વિદેશથી પરત ફર્યા બાદ હવે પરિવારની નજીક રહીને પોતાનો વ્‍યવસાય કરવાનું નક્કી કર્યું છે.

અહેવાલો અનુસાર, કપિલ નેગી અને પ્રદીપ નેગીએ શિલ્‍લાઈમાં એક ફેમિલી રેસ્‍ટોરન્‍ટ શરૂ કર્યું છે. તેનું નામ જોડીદાર ભાઈ ફેમિલી રેસ્‍ટોરન્‍ટ રાખવામાં આવ્‍યું છે. ગત ૬ નવેમ્‍બરના રોજ આ રેસ્‍ટોરન્‍ટનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. બંને ભાઈઓના આ નવા વ્‍યવસાયની હવે આસપાસના વિસ્‍તારોમાં પણ ચર્ચા થઈ રહી છે.

બંને ભાઈઓમાંથી કપિલ નેગી અગાઉ કુવૈતમાં રસોઈયા તરીકે કામ કરતો હતો. જોકે, મધ્‍ય પૂર્વમાં વધતા તણાવ અને હુમલાઓના અહેવાલો વચ્‍ચે તેણે વિદેશની નોકરી છોડીને વતન પરત ફરવાનો નિર્ણય લીધો હતો. કપિલે કુવૈતમાં રહેતી વખતે હુમલાઓ સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ત્‍યારબાદ તેણે પોતાના રસોઈના અનુભવનો ઉપયોગ કરીને શિલ્‍લાઈમાં જ રેસ્‍ટોરન્‍ટ શરૂ કરવાનું નક્કી કર્યું.

કપિલે જણાવ્‍યું હતું કે ઘણા લોકો રેસ્‍ટોરન્‍ટનું સરનામું જાણવા માટે સંપર્ક કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો તેમના મહેમાનોને સાચું સરનામું આપવાને બદલે ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો. આ સમસ્‍યાના ઉકેલ માટે કપિલે પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યો છે અને લોકોને સીધો ફોન કરીને રેસ્‍ટોરન્‍ટનું સરનામું મેળવવાની અપીલ કરી છે.

શિલ્‍લાઈમાં શરૂ થયેલી આ રેસ્‍ટોરન્‍ટને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્‍યામાં લોકો અહીં ભોજન માટે પહોંચી રહ્યા છે. બંને ભાઈઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે તેમના રેસ્‍ટોરન્‍ટને ઘણો પ્રેમ મળી રહ્યો છે અને રેસ્‍ટોરન્‍ટમાં ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે. સિરમૌરી જોડીદાર નામના સોશિયલ મીડિયા પેજ પર પણ ભાઈઓએ લખ્‍યું હતું કે ઘણા લોકો તેમને ફોન કરી રહ્યા છે અને રેસ્‍ટોરન્‍ટમાં આવીને ભોજનનો આનંદ માણી રહ્યા છે. ગ્રાહકો પણ અહીંના ભોજનની પ્રશંસા કરી રહ્યા છે.

સિરમૌર જિલ્‍લાના શિલ્‍લાઈના રહેવાસી કપિલ અને પ્રદીપે ગયા વર્ષે માર્ચ મહિનામાં સુનીતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સ્‍થાનિક પરંપરા જોડીદાર હેઠળ કરવામાં આવ્‍યા હતા. એક જ યુવતી સાથે બે ભાઈઓના લગ્નની આ ઘટનાએ તે સમયે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. હવે કપિલ અને પ્રદીપ તેમની પત્‍ની સુનીતા સાથે પારિવારિક જીવન જીવી રહ્યા છે. આ પરિવારને સાત મહિનાની એક પુત્રી પણ છે. વિદેશની નોકરી છોડીને પરત ફરેલા નાના ભાઈએ હવે પરિવાર સાથે રહીને નવો વ્‍યવસાય શરૂ કર્યો છે.

(1:21 PM IST)