News of Thursday, 7th May 2026
ચીનમાં બે પૂર્વ સંરક્ષણ પ્રધાનોને ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપમાં મોતની સજા ફટકારાઇ
વર્ષ 2024માં આ બન્ને નેતાને સત્તામાં રહેલી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના સરકારમાંથી પદભ્રષ્ટ કરાયા હતા ,તેમની ઉપર સંરક્ષણ ક્ષેત્રના સોદામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવા તથા લાંચ લેવાના આરોપ હતો

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વ હેઠળની સરકારમાં કામ કરી ચુકેલા બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનોને ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન વેઈ ફેંઘે અને તેમના ઉત્તરાધિકારી લી શાંગફુને 'Death sentence with a two-year reprieve' એટલે કે બે વર્ષની મુદત સાથે મૃત્યુદંડની સજા કરવામાં આવી છે.
ચીનમાં આ સજા સામાન્ય રીતે એવી સ્થિતિમાં થાય છે કે જેમાં દોષિતને તાત્કાલિક ફાંસી આપવામાં આવતી નથી પણ બે વર્ષ સુધી દોષિતનું આચરણ યોગ્ય હોય તો ફાંસીની સજા આજીવન કારાવાસમાં તબદિલ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં આ બન્ને નેતાને સત્તામાં રહેલી ચીનની Communist Party Of China સરકારમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમની ઉપર સંરક્ષણ ક્ષેત્રના સોદામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવા તથા લાંચ લેવાના આરોપ હતો. વેઈ ફેંઘેએ વર્ષ 2018થી 2023 સુધી ચીનના સંરક્ષણ પ્રધાનનું ઉચ્ચ પદ સંભાળ્યું હતું. ત્યારબાદ તેમના અનુગામી લી શાંગફુ દેશના સંરક્ષણ પ્રધાન બન્યા હતા.
જોકે થોડા સમયમાં જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને સત્તા પરથી હટાવવાને પગલે ચીનના રાજકારણમાં ભારે આંચકો લાગ્યો હતો. લી શાંગફુ એરોસ્પેસ એન્જિનિયર હતા તથા તેમણે ચીનની શક્તિશાળી પીપુલ્સ લિબરેશન આર્મીમાં રૉકેટ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ મિસાઈલ ફોર્સ છે કે જે ચીનના પરમાણુ તથા લાંબા અંતરની મિસાઈલ ક્ષમતાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંરક્ષણ પ્રધાનના પદ માટે જાતે નિમણૂંક કરી હતી. ગેરરીતિ તથા ભ્રષ્ટાચારના આરોપને પગલે તેમણે આ પદ પરથી હટાવવામાં આવેલા અને સત્તાવાર રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
