તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ક્વિક-કોમર્સ કંપનીમાં નોકરીની લાલચ આપી ૧૦ યુવાનો સાથે ઠગાઈ: બે ભેજાબાજો સામે ગુનો દાખલ!
પેકિંગ જોબની ખાતરી આપી બેંક ખાતાની વિગતો અને સિમ કાર્ડ મેળવ્યા બાદ ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે કર્યો દુરુપયોગ; મહિલાએ દસ્તાવેજો પાછા માગતા મળી ધમકી

થાણે : આજના ડિજિટલ યુગમાં નોકરીની શોધમાં ભટકતા યુવાનોને નિશાન બનાવતી ઠગ ટોળકીઓ વધુ એક વખત સક્રિય થઈ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં ક્વિક-કોમર્સ કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને ૧૦ જેટલા યુવાનો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ આ યુવાનોના બેંક ખાતા અને મોબાઈલ નંબર મેળવી તેનો ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે દુરુપયોગ કર્યો હતો. આ મામલે ભિવંડી પોલીસે બે શખસો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પેકિંગ જોબની ખાતરી આપી જીત્યો વિશ્વાસ:
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીઓએ ક્વિક-કોમર્સ કંપનીના ગોદામમાં પેકિંગની આકર્ષક નોકરી અપાવવાની ખાતરી આપીને ૧૦ નોકરીવાંચ્છુઓનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ નોકરીની પ્રક્રિયા અને વેરિફિકેશનના બહાને આ તમામ ૧૦ લોકો પાસેથી તેમની બેંકની પાસબુક, મહત્વના દસ્તાવેજો અને બેંક સાથે લિંક કરાયેલાં સિમ કાર્ડ્સ મેળવી લીધા હતા. જોકે, ઘણા દિવસો વીતી ગયા છતાં કોઈને નોકરી મળી નહોતી, જેથી ઉમેદવારોને શંકા ગઈ હતી.
ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે બેંક એકાઉન્ટ્સનો દુરુપયોગ:
તપાસ દરમિયાન નોકરી ઇચ્છુકોને જાણ થઈ હતી કે તેમની જાણ બહાર અને સંમતિ વિના તેમનાં બેંક ખાતાં તથા મોબાઈલ નંબર્સનો ગેરકાયદે નાણાકીય લેવડ-દેવડ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પૈકી એક મહિલાએ તાત્કાલિક આરોપીઓનો સંપર્ક કરીને પોતાના મૂળ દસ્તાવેજો અને સિમ કાર્ડ્સ પાછા આપવાની માગણી કરી હતી.
ધમકી મળતા પોલીસના શરણે પહોંચ્યા પીડિતો:
પીડિત મહિલાએ દસ્તાવેજો પાછા માગતા આરોપીઓએ દસ્તાવેજો સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. આખરે છેતરાયેલા તમામ લોકોએ એકઠા થઈને ભિવંડીના ભોઈવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પીડિતોની ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
