News of Tuesday, 10th November 2026
પંજાબના બઠિંડામાં બે દિવસમાં બે ભયાનક માર્ગ અકસ્માત, મલોટ રોડ પર ૧૨ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત અને ભારતમાલા હાઇવે પર સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત
બઠિંડામાં બેકાબૂ વાહનોનો કહેર યથાવત, મલોટ રોડ પર પૂરઝડપે દોડતી કારે મચાવ્યો આતંક તો મોગા બઠિંડા ભારતમાલા હાઇવે પર કાર અને એસયુવી વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં સાત જણા હોસ્પિટલમાં દાખલ

મુંબઈ : પંજાબના બઠિંડા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન બનેલી બે અલગ અલગ ભયાનક માર્ગ અકસ્માતની ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. આ કરૂણ દુર્ઘટનાઓમાં એક તરફ જ્યાં ૧૨ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે, તો બીજી તરફ મોગા બઠિંડા ભારતમાલા હાઇવે પર સર્જાયેલા અન્ય એક ગંભીર અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સતત બની રહેલી દુર્ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રથમ ઘટના પંજાબના બઠિંડા સ્થિત મલોટ રોડ પર સોમવારે મોડી રાત્રે બની હતી, જ્યાં એક બેકાબૂ અને પૂરઝડપે દોડતી કારે ભારે તાંડવ મચાવ્યું હતું. મલોટની દિશામાંથી આવી રહેલી અનિયંત્રિત ટોયોટા કારે થર્મલ પ્લાન્ટની સામે સિવિયા લિંક રોડ તરફ વળી રહેલા એક મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આટલું જ નહીં, પરંતુ બેકાબૂ બનેલી કાર રોડની બાજુમાં આવેલા એક મોમોઝના સ્ટોલમાં ઘૂસી ગઈ અને ત્યાં ઊભેલા વાહનો તથા લોકોને બુરી રીતે કચડી નાખ્યા. આ ભયાનક અકસ્માતમાં સ્ટોલ પાસે ઊભેલા ૧૨ વર્ષના બાળક ગુરદીપ કુમાર ઉર્ફે હરમનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર બેઠેલા ૧૨ વર્ષના ગુરદીપ કુમાર ફંગોળાઈને હવામાં આશરે ૧૦૦ મીટર દૂર જઈને પડ્યા હતા. માથામાં ગંભીર ઇજા થવાના કારણે માસૂમે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. મૃતક હરમન ગામ દિયોણનો રહેવાસી હતો અને પોતાના સગા સંબંધીઓ સાથે ત્યાં રોકાયયો હતો. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ દુર્ઘટનાના બિલકુલ બીજા જ દિવસે, એટલે કે ૧૦ નવેમ્બરની સવારે મોગા બઠિંડા ભારતમાલા હાઇવે પર વધુ એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મોગા જિલ્લાના બાગાપુરાણાથી બઠિંડા તરફ જતા ભારતમાલા મુખ્ય માર્ગ પર એક એસયુવી અને કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેના કારણે બંને વાહનોના કૂચા બોલી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોમાં સવાર છ લોકો સહિત એક નાનો બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. કારમાં સવાર વયોવૃદ્ધ દંપતીને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.
ભારતમાલા હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુર્ઘટનાના થોડી જ મિનિટો પછી તે જ જગ્યાએ અન્ય બે ગાડીઓ પણ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જો કે બીજા અકસ્માતમાં સદનસીબે બે લોકોને સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી, પરંતુ બંને કારને ભારે નુકસાન થયું હતું. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પ્રશાસન અને ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા બઠિંડા તથા મોગાની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
