<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સહારનપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયા બે બહેનોના નિકાહ: વરરાજાના હિન્દુ નામોને લઈને સર્જાયો હતો વિવાદ

સોશિયલ મીડિયા પર કાર્ડ વાયરલ થયા બાદ ધમકીઓ મળતા વહીવટી તંત્ર સાવચેત બન્યું, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિધિ સંપન્ન

સહારનપુર : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં ગુરુવારે પોલીસ સુરક્ષાના કડક પહેરા વચ્ચે બે બહેનોના લગ્ન સમારોહ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થયા હોવાની ઘટના સામે આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, હરિયાણાથી આવેલા બે યુવકો અનિલ અને સંજય સહારનપુરના ગંગોહ વિસ્તારમાં બે યુવતીઓ સાથે લગ્ન કરવા માટે પોતાની જાન લઈને આવ્યા હતા, પરંતુ તેમના ધર્મ અને નામની ભિન્નતાને કારણે વિવાદ સર્જાયો હતો.

 

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડ વાયરલ થયા જેમાં વરરાજાના હિન્દુ નામો દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે વાસ્તવમાં તેઓ મુસ્લિમ સમુદાયમાંથી હોવા છતાં તેમના પરિવારમાં પેઢીઓથી હિન્દુ નામો રાખવાની પરંપરા રહી છે.

 

કાર્ડ વાયરલ થયા બાદ અજાણ્યા શખસો દ્વારા લગ્ન ગૃહના માલિકને સમારોહ રદ કરવા માટે ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા અને હોંગામો કરવાની ચેતવણી આપવામાં આવી હતી, જેનાથી ભયનું વાતાવરણ ઊભું થયું હતું.

 

પરિસ્થિતિની ગંભીરતાને પારખીને બંને યુવતીઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સુરક્ષાની માંગ કરી હતી, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલા દ્વારા લગ્ન સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

અંતે ધાર્મિક વિધિઓ અનુસાર નિકાહની તમામ પ્રક્રિયાઓ પોલીસ બંદોબસ્તની હાજરીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, અને પોલીસે આ સમગ્ર મામલે ધમકી આપનાર તત્વો સામે તપાસ હાથ ધરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

(10:01 PM IST)