<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

બે અઠવાડિયાના અવિરત વરસાદે ઉત્તર પ્રદેશ બેહાલ, ગંગા-યમુના ઉફાને ચઢતાં છવ્વીસ જિલ્લાનાં સાડા ત્રણ લાખ લોકો અસરગ્રસ્ત, રાહત કામગીરી તેજ

વારાણસીમાં ગંગા ચેતવણી સપાટી પાર, બલિયા-ગાઝીપુરમાં ભયજનક સપાટીથી ઉપર પાણી; કાંઠાવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડાયા, વહીવટીતંત્ર સતત સતર્ક બન્યું છે

લખનઉ : ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં સતત વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂરે જનજીવન ખોરવ્યું છે. હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે.

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા લગભગ બે અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને કારણે ગંગા, યમુના, મંદાકિની અને અન્ય નદીઓના જળસ્તરમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યના અંદાજે ૩૧ જિલ્લામાં પૂરસદૃશ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે સત્તાવાર આંકડા પ્રમાણે ૨૬ જિલ્લાના લગભગ ૩.૫૩ લાખ લોકો સીધી અસર હેઠળ આવ્યા છે.

રાહત અને બચાવ કામગીરી દરમિયાન ૧૭,૫૪૪ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને ૪,૮૪૭ લોકોને રાહત આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં અયોધ્યા, આઝમગઢ, બલિયા, બદાયૂં, ચિત્રકૂટ, ગાઝીપુર, ગોરખપુર, મિર્ઝાપુર, પ્રયાગરાજ, સીતાપુર, ઉન્નાવ અને વારાણસીનો સમાવેશ થાય છે.

 

ચિત્રકૂટમાં મંદાકિનીના અચાનક વધેલા પ્રવાહથી ૩૬ ગામોના લગભગ ૧૪ હજાર લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં ૭૪૨ પૂર રાહત ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે. બચાવ માટે ૪૫૨ હોડી અને મોટરહોડી તથા ૨૨૫ તબીબી ટુકડીઓ તૈનાત છે. લગભગ ૫૦૦ મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે અને ૨૦૫ કેસમાં વળતર ચૂકવવાની કાર્યવાહી શરૂ થઈ છે.

 

વારાણસીમાં ગંગા ચેતવણી સપાટીથી ઉપર વહી રહી હોવાથી હોડી વ્યવહાર રોકાયો છે. ગાઝીપુર અને બલિયામાં ગંગા ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ઉપરવાસના બંધોમાંથી છોડાયેલા વધારાના પાણીથી પણ સ્થિતિ વણસી છે. હવામાન વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૮ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવતાં કાંઠાવાસીઓને સતર્ક રહેવા જણાવાયું છે.

(11:04 PM IST)