News of Friday, 23rd October 2026
તાઇવાનમાં ‘ચાંપી’ વાવાઝોડાનો વિનાશકારી પ્રહાર : ૧નું મોત, ૧૬૩ ઘાયલ, ૧.૪૬ લાખ ઘરોમાં વીજળી ગુલ: યિલાનના પર્વતીય વિસ્તારમાં ૧૬ ઈંચ વરસાદ ખાબક્યો
૯૮૬ વિમાની ઉડાનો રદ : ૨,૬૩૯ લોકોને સલામત સ્થળે ખસેડાયા : દરિયામાં ૩૪ ફૂટ ઊંચા મોજાં ઊછળ્યાં

તાઇપેઇ : તાઇવાનમાં શક્તિશાળી ચાંપી વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. તોફાની પવન અને મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ૧૬૩ લોકો ઘાયલ થયા છે. હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. સરકારે અનેક વિસ્તારોમાં શાળા-કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા શક્તિશાળી ‘ચાંપી’ વાવાઝોડાએ શુક્રવારે તાઇવાનમાં ભારે વિનાશ વેર્યો છે. તોફાની પવન, ભારે વરસાદ અને દરિયામાં ઊછળતાં વિશાળ મોજાંને કારણે દેશના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. તાઇવાનના કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના બપોરના અહેવાલ મુજબ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે ૧૬૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પિંગતુંગ વિસ્તારમાં દરિયાકિનારે એક વ્યક્તિને વિશાળ મોજું ખેંચી જતાં તેનું મૃત્યુ થયું હતું.
વાવાઝોડાને કારણે તાઇવાનમાં કુલ ૨,૬૩૯ લોકોને જોખમી વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાની અસરથી વૃક્ષો ધરાશાયી થવા, જાહેરાતનાં બોર્ડ તૂટી પડવા અને વીજળીની લાઇનોને નુકસાન થવાના બનાવો નોંધાયા છે.
તાઇવાનની વીજળી કંપનીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં દેશનાં ૧.૪૬ લાખથી વધુ ઘરોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. તેમાંથી ૧.૨૨ લાખથી વધુ ઘરોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બાકીના વિસ્તારોમાં સમારકામ ચાલુ હતું.
*હવાઈ વ્યવહારને મોટો ફટકો* : ૯૮૬ ઉડાનો રદ
વાવાઝોડાના કારણે હવાઈ વ્યવહારને પણ મોટો ફટકો પડ્યો છે. શુક્રવારે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ ૯૮૬ વિમાની ઉડાનો રદ કરાઈ હતી. તેમાં ૨૬૨ સ્થાનિક અને ૭૨૪ આંતરરાષ્ટ્રીય તથા ચીન સાથેની ઉડાનોનો સમાવેશ થાય છે. ઉપરાંત ૯ ઉડાનો મોડી પડી હતી. દરિયાઈ પરિવહન પણ ખોરવાયું છે.
*દરિયામાં ૧૦.૬ મીટર ઊંચાં મોજાં : ભારે વરસાદની ચેતવણી*
તાઇવાનના લાન્યુ ટાપુ પાસે દરિયામાં ૧૦.૬ મીટર ઊંચાં મોજાં નોંધાયાં છે, જે ત્યાંનો ઐતિહાસિક વિક્રમ છે. ઉત્તર અને ઉત્તરપૂર્વના વિસ્તારોમાં ભારે વરસાદ તથા પ્રચંડ પવનની ચેતવણી આપવામાં આવી છે. યિલાનના પર્વતીય વિસ્તારમાં ૪૦૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની ગતિ ધીમી પડવાની તથા તેની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે.
શનિવાર સવાર સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની સ્થિતિ યથાવત રહી શકે છે. તંત્ર દ્વારા લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
